PM Modi Gujarat Visit: દેશના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ સિદ્ધિ તરફ સતત આગળ વધી રહ્યો છે. તા. 27મી સપ્ટેમ્બરે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના પ્રવાસે આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષણ ક્ષેત્રે દાહોદ વધુને વધુ હરણફાળ ભરે તે માટે જવાહર નવોદય વિદ્યાલયની અમૂલ્ય ભેટ આપશે. જેનાથી શિક્ષણ ક્ષેત્રે દાહોદની ગૌરવભેર યાત્રા આગળ વધશે.
રૂ. 23 કરોડના ખર્ચે નવનિર્મિત આ જવાહર નવોદય વિદ્યાલય દાહોદના લીમખેડા તાલુકાના પલ્લી ગામે બનાવવામાં આવી છે. 30 એકર વિસ્તારમાં ફેલાયેલી આ કેન્દ્રીય વિદ્યાલય અનેક સુવિધાઓથી સંપન્ન છે. જેમાં 14 વર્ગખંડ, 4 લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટાફ રૂમ સહિત સ્કૂલ ઈમારત; 192 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું બોયઝ ડૉર્મિટરીની સુવિધા છે.
આ ઉપરાંત 96 વિદ્યાર્થિનીઓની ક્ષમતાવાળું ગર્લ્સ ડૉર્મિટરી, કિચન, 560 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો ડાઈનિંગ હોલ, ક્વાર્ટ્સ, 2 વોલી બોલ કોર્ટ-2 બાસ્કેટ બોલ કોર્ટ અને રનિંગ ટ્રેક સહિતની સુવિધાઓવાળું રમતનું મેદાન, પમ્પ હાઉસ સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાલયમાં ધો-6 થી ધો-10 સુધીના વર્ગોમાં કુલ 290 તેજસ્વી વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા છે, જેમાં 174 વિદ્યાર્થીઓ અને 116 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
બે તબક્કામાં નિર્માણ પામનારી આ જવાહર નવોદય વિદ્યાલયના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેનું પ્રધાનમંત્રી બુધવારે લોકાર્પણ કરશે. જ્યારે બીજા તબક્કાનું કામ હાલ પ્રગતિમાં છે, ત્યારબાદ બોયઝ અને ગર્લ્સ ડૉર્મિટરીની ક્ષમતામાં વધારો ઉપરાંત સ્ટાફ ક્વાર્ટસ તેમજ ગેસ્ટ હાઉસની સુવિધા પણ મળશે.
મહત્વનું છે કે, જવાહર નવોદય વિદ્યાલયમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે, જે સી. બી. એસ. ઈ. દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે અને ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીને ધો-૬માં પ્રવેશ આપવામાં આવે છે. દરેક જિલ્લા પ્રમાણે સ્થાનિક ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે મહત્તમ બેઠક સંરક્ષિત રાખવામાં આવતી હોવાથી દાહોદના તેજસ્વી વિદ્યાર્થીઓને આ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતરથી માંડીને રહેવા-જમવા સહિતની તમામ અભ્યાસલક્ષી જરૂરિયાતો અને સુવિધાઓ નિ:શુલ્ક મળી રહેશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
