Dahod News: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતા જ ચૂંટણીનું એક તરફ કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે બીજી તરફ પક્ષ પલટુઓની પાટલી બદલવાની પ્રક્રિયા પણ વધુ વેગીલી બની છે. આ પ્રક્રિયામાંથી દાહોદ જિલ્લો પણ બાકાત રહ્યો નથી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ જિલ્લામાં પ્રવેશે તે પહેલા જ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાયું છે. ફતેપુરા તાલુકા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભડકો થયો છે અને રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રે માંથી અન્ય હોદ્દેદારોના રાજીનામા પડે તેવી ચર્ચાએ દાહોદમાં રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચના રોજ દાહોદ જિલ્લામાં પ્રવેશે તે પહેલા જ દાહોદ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે ગતરોજ 600થી વધુ કોંગી કાર્યકર્તા ઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો ત્યારે આજે ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મીનેષ તાવિયાડેએ પાર્ટીમા અવગણના થતી હોય દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામુ સોંપી દેતા દાહોદ કોંગ્રેસમાં વધુ એકવાર ભડકો થયો છે. આવનાર સમયમાં હજુ વધુ રાજીનામા પડે તેવી શકયતા સેવાઈ રહી છે.
લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતા જ સૌપ્રથમ રાજ્યમાં ભાજપે પોતાની 26 ઉમેદવારો પૈકી 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. તેમજ બીજી યાદી તૈયાર કરવાની ચાલી રહેલી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવાની તૈયારીઓ છે. જ્યારે કોંગ્રસમાં રોજબરોજ ભંગાર સર્જાતું જેવા મળી રહ્યું છે.
કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા તેમજ અમરીશ ડેર જેવા દિગ્ગજ નેતાઓ પણ પક્ષ પલટો કરી કેસરિયો ધારણ કરતા કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં અત્યંત દયનીય બની છે. અને આવનારા સમયમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢના વધુ કાંગરા ખરવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં પણ પક્ષપલટાની પ્રવૃત્તિ વેગીની બનતી જોવા મળી રહી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
