Dahod: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ નજીક પુરપાટ દોડતી એસટી બસે બાઈકને ઠોકરે ચડાવ્યું હતુ. આ અકસ્માતમાં બાઈક પર પાવાગઢ દર્શન કરવા જઈ રહેલા માતા-પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દાહોદ જિલ્લાના રાબડાલ ગામમાં રહેતો 19 વર્ષીય આદિત્ય ગોહિલ પોતાની માતા શકુંતલાબેન અશોકભાઈ ગોહિલ (45)ને પોતાના બાઈક પર બેસાડીને વહેલી સવારે પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના દર્શન કરવા નીકળ્યો હતો.
સવારના પહોરમાં ધુમ્મસ છવાયેલું હોવાથી વિઝિબિલિટી ઘણી ઓછી હતી. આ સમયે લીમખેડા નજીક પાલ્લી બાયપાસ હાઈવે પર આગળ કપચી ભરેલુ ડમ્પર પલટી ખાઈ ગયું હતુ.
આથી બાઈક ચલાવતા આદિત્યએ ડાબી બાજુથી આગળ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી એસટી બસે આદિત્યના બાઈકને ઉલાળ્યું હતુ.
બસની ભીષણ ટક્કરથી બાઈક પરથી ફંગોળાઈને પટકાયેલા માતા-પુત્ર બસના ચાકા નીચે આવી ગયા હતા અને ગંભીર ઈજા થતાં બન્નેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ ઘટનાના પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી લીમખેડા પોલીસની ટીમે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની જાણ થતાં નાના એવા રાબડાલ ગામમાં તેમજ ગોહિલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે દાહોદમાં રહેતા કલ્પેશ ગોહિલ દ્વારા લીમખેડા પોલીસ મથકમાં એસ.ટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પગલે બસ ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
