Kutch: કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ખડીર દ્વીપ સમુહના રતનપર ગામેના જંગલ વિસ્તારમાંથી એક યુગલની શંકાસ્પદ હીલચાલને જોતા ગ્રામજનોએ બન્ને ઝડપી પાડ્યા હતા. જેમની પૂછપરછમાં તેઓ પાકિસ્તાનથી ઘુસણખોરી કરીને આવેલા પ્રેમી પંખીડા હોવાનું માલૂમ પડ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કચ્છના સરહદી વિસ્તાર એવા વાગડના ખડીર દ્વીપ સમુહમાં કાદવ-કીચડ વચ્ચે જીવ સટોસટનો ખેલ ખેલીને બે સગીર પ્રેમીપંખીડા રતનપરના જંગલ વિસ્તારમાં આવેલ સાંગવાળી માતાજીના મંદિર નજીકથી મળી આવ્યા હતા.
રતનપરના ગ્રામજનોને આ યુગલ શંકાસ્પદ જણાતા તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. જે બાદ સરપંચે ગ્રામજનોની મદદથી યુગલને પકડીને ખડીર પોલીસ જાણ કરવામાં આવી હતી.
આ બાબતની જાણ થતાં ખડીર પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં બન્નેની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં પ્રેમી પંખીડા સગીર હોવાનું માલૂમ પડ્યું હતુ. જે પૈકી પ્રેમીની ઓળખ તારા ઉર્ફે તોતો રણમલ ચુડી ભીલ (16) તેમજ પ્રેમિકાની ઓળખ પૂજા કરસન ચુડી ભીલ (15) તરીકે થઈ છે.
આ પ્રેમી યુગલ મૂળ પાકિસ્તાનના થરપાર્કરના ઈસ્લામકોટ ગામના વતની છે. આ બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાથી પરિવારની કેદમાંથી છૂટીને રાતોરાત સરહદ ઓળંગીને ભારતમાં ઘૂસી આવ્યા હતા. જો કે બન્ને પાસેથી પોતે પાકિસ્તાની હોવાના કોઈ પુરાવા હજુ સુધી નથી મળ્યા હતા.
હાલ તો ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરી દેવામાં આવી છે.
પાટણ જિલ્લાની સાંતલપુર સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
પાટણ જિલ્લાના સાંતલપુર નજીક પરવાણા ઓપી નજીક પીલન નંબર 981 પરથી પાકિસ્તાન તરફથી ભારતીય સીમા ઘુસી રહેલા ઈસમને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ઝડપી પાડ્યો હતો. જે બાદ ઘૂસણખોરને સાંતલપુર પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં ઘૂસણખોર યુવકની ઓળખ મોહમ્મદ નવાઝ અબ્દુલ મજિદ ઉર્ફે માજા (રહે. ચિનિયોટ, પાકિસ્તાન) તરીકે થઈ હતી. જેની અંગજડતી લેતા તેની પાસેથી એક ચાવી ઉપરાંત ડ્રાઈવિંગ લાઈસન્સ તેમજ પાકિસ્તાની કરન્સી મળી આવી હતી. હાલ તો સાંતલપુર પોલીસે તમામ વસ્તુઓ કબજે લીધી છે. આ સાથે જ બનાવની જાણ થતાં DySp પણ સાંતલપુર દોડી આવ્યા હતા.
