Dahod: દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળાબજારીનો પર્દાફાશ, 400 થેલીઓ સાથે ગોડાઉન સીલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 15 Aug 2026 12:00 AM (IST)Updated: Sat, 15 Aug 2026 12:00 AM (IST)
dahod-news-black-marketing-of-dap-fertilizer-busted-in-devgadh-baria

પ્રશાંત ગજ્જર, Dahod News: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મેન્દ્રા ચોકડી ખાતે આવેલા એક ખાનગી ગોડાઉન ઉપર જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા રેડ પાડીને ડીએપી ખાતરની કાળાબજારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ખેડૂતોને પૂરતા ભાવે અને સમયસર ખાતર મળી રહે તે માટે તંત્ર સતત કાર્યરત છે, ત્યારે સહકારી મંડળીની આડમાં ચાલતા આ કાળાબજારીના રેકેટથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

ખાનગી બાતમીના આધારે તંત્રની મોટી કાર્યવાહી

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દેવગઢ બારીઆ વિસ્તારમાં સહકારી મંડળીના નામે ફાળવવામાં આવતા DAP ખાતરનો જથ્થો સબસીડી કે નિયમો મુજબ ખેડૂતોને વિતરણ કરવાના બદલે બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની બાતમી જિલ્લા ખેતીવાડી અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે જિલ્લા અધિકારીઓની એક ખાસ ટીમ દ્વારા મેન્દ્રા ચોકડી પાસે આવેલા શંકાસ્પદ ખાનગી ગોડાઉન પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે, બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘ સાથે સંકળાયેલા ઈસ્માઈલ બાજી નામના શખ્સે સરકારી તેમજ સહકારી નિયમો વિરુદ્ધ જઈને ડીએપી ખાતરનો મોટો જથ્થો આ ખાનગી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કર્યો હતો.

400 થેલીઓ જપ્ત, ગોડાઉન સીલ કરાયું

સ્થળ પર તપાસ કરતાં ખેતી વિભાગની ટીમને ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલી DAP ખાતરની કુલ 400 થેલીઓ મળી આવી હતી. ખેડૂતો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવતી હતી કે, આ સંસ્થાઓ દ્વારા સહકારી માળખાનું ખાતર બ્લેક માર્કેટમાં ઊંચા ભાવે વેચી દેવામાં આવે છે. જેના કારણે સિઝન દરમિયાન અન્નદાતાઓને ખાતરની ભારે અછતનો સામનો કરવો પડે છે. ખેડૂતો દ્વારા આપવામાં આવેલી આ સચોટ માહિતીના પગલે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર ગોડાઉન સીલ કરી દીધું છે. 

લાયસન્સ રદ કરવાની તજવીજ હાથ ધરાઈ

ખાતરના કાળાબજારીયાઓ સામે જિલ્લા અધિકારીઓની લાલ આંખ થતાં જ સમગ્ર પંથકના વેપારીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ભારે ફાફડાટ અને સન્નાટો ફેલાઈ ગયો છે. ખેતીવાડી વિભાગ દ્વારા આ મામલે કાયદેસરની સખત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સંડોવાયેલી સહકારી મંડળીઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાલ પ્રારંભ કરી દેવાઈ છે.

તંત્ર દ્વારા આ સમગ્ર નેટવર્ક પાછળ અન્ય કયા કયા શખ્સો સંડોવાયેલા છે અને અગાઉ આ પ્રકારે કેટલો જથ્થો વેચવામાં આવ્યો છે તે દિશામાં સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે અને કસૂરવારો સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે.