Dahod News: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા સલરા સ્થિત ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં શિક્ષકોનું મહેકમ ટકાવી રાખવા અને સરકારી ગ્રાન્ટના હેતુથી બટકવાડાની શાળામાંથી 27 કન્યાઓ લાવીને બોગસ હાજરી દર્શાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન શાળા તંત્રનું આ કૌભાંડ છતું થયું છે.
બીજી શાળાની વિદ્યાર્થીનીઓને ક્લાસમાં બેસાડી
તપાસ અધિકારીઓએ શાળામાં તપાસ કરીને પોતાનો રિપોર્ટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, શાળાના સરકારી રજિસ્ટર પ્રમાણે ધો.9થી 12માં કુલ 136 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. પરંતુ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન માત્ર 4 વિદ્યાર્થીઓ જ હાજર મળી આવ્યા હતા. તપાસ અધિકારીઓને હાજરીની જાણ થતાં જ શાળા તંત્રે પોતાની ભૂલ છુપાવવા માટે નજીકની બટકવાડાની પ્રગતિ શાળાની 27 કન્યાઓને બોલાવી વર્ગખંડમાં બેસાડી હતી અને બોગસ હાજરી દર્શાવવાનો પ્રયાસ થયો હતો.
ધો.12ની પરીક્ષામાં 4 છાત્રોએ પરીક્ષા આપી
તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2026ની એસએસસી બોર્ડ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા 31 વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર નહોતો. જ્યારે ધો,12ની બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા 13 વિદ્યાર્થીઓમાંથી માત્ર 4 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉપરાંત આ શાળા છેલ્લા 1 વર્ષથી કોઈ મંજૂરી વિના અન્ય મકાનમાં ચલાવવામાં આવી રહી છે. તેમજ ભૌતિક સાધન સામગ્રીની તપાસ કરતાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ફાળવાયેલા પાંચ સ્માર્ટ બોર્ડ અને 4 લેપટોપ ગાયબ હતા.
શાળા તંત્ર દ્વારા ખોટું મહેકમ ઉભુ કરીને 2 જ્ઞાન સહાયકની માંગણી કરી સરકારી ધનનો વ્યય કર્યાનું સામે આવ્યુ છે. તેમજ વર્ષ 2023-24 ની સરસ્વતી સાધના યોજના હેઠળ ધો.9ની કન્યાઓ માટે આવેલી 14 સાયકલો સ્ટોર રુમમાં ખરાબ હાલતમાં મળી આવી હતી.
શાળાના આચાર્ય, સંચાલકો સામે કાર્યવાહી
શાળાના આચાર્ય, સ્ટાફ અને સંચાલકોને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ના નિયમોના ભંગ બદલ શિક્ષણાધિકારી કચેરીએ કારણદર્શક નોટિસ આપી છે. મામલે શાળાના પ્રમુખ-મંત્રી, આચાર્ય મનિષાબેન પારગી, વહીવટી ક્લાર્ક બાબુભાઈ ચરપોટ અને સંબંધિત શિક્ષકોને 1 સપ્ટેમ્બર 2026ના રોજ DEO કચેરી દાહોદ ખાતે કડક સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા આદેશ કરાયો છે.
