Dahod Accident: દાહોદ શહેર નજીક હાઈવે પર ભીંટોડી ગામ પાસે રવિવારે બપોરે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાવાગઢ ખાતે કાળકા માતાના દર્શન કરી મધ્યપ્રદેશ પરત ફરી રહેલા એક જ પરિવારના સભ્યોની કાર માર્ગમાં ઊભેલા બંધ કન્ટેનર પાછળ અંદાજે 110 કિમી ની પૂરઝડપે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભીષણ ટક્કરમાં ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દર્શન કરી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કૈડાવદ ગામનો શ્રદ્ધાળુ પરિવાર નેક્સન ગાડીમાં સવાર થઈ પાવાગઢ દર્શન કરવા માટે આવ્યો હતો. પરિવારની એક બહેનની માતાજીને મીઠાઈ ચઢાવવાની માનતા હોવાથી પરિવારના સભ્યો સાથે નીકળ્યા હતા. માતાજીના આશીર્વાદ લઈ રવિવારે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે બપોરના 3.30 વાગ્યાના અરસામાં ભીંટોડી પાસે તેમને કાળ ભેટ્યો હતો.
ક્ષમતા કરતા વધુ પેસેન્જર અને પૂરઝડપ બની જીવલેણ
રસ્તા પર ઊભેલા એક બંધ કન્ટેનર પાછળ કાર પૂરઝડપે અથડાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે, ગાડીના સેન્સર્સ એક્ટિવેટ થતા આગળની સાથે સાઈડની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. જોકે, 5 વ્યક્તિની ક્ષમતા વાળી ગાડીમાં 12 લોકો સવાર હોવાથી અને ટક્કરની તીવ્રતા પ્રચંડ હોવાથી સુરક્ષાના સાધનો નિરર્થક સાબિત થયા હતા.
મૃતકોની વિગત
આ કરૂણ દુર્ઘટનામાં નીચે મુજબના ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો છે:
- પ્રિયાંશી ભાભોર
- સૃષ્ટિ ગણાવા (3 વર્ષ)
- મોહિની ગણાવા (1 વર્ષ)
ઇજાગ્રસ્તની આપવીતી
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સોનિયા ભાભોરે ડૂસકાં સાથે જણાવ્યું હતું કે, "અમે પાવાગઢમાં માનતા પૂરી કરીને પરત આવી રહ્યા હતા. રસ્તામાં હોટલ પર રોકાઈને નાસ્તો પણ કર્યો હતો. અચાનક શું થયું તેની ખબર જ ન પડી. ગાડી કાકા ચલાવી રહ્યા હતા અને આગળની સીટ પર ભાઈ શુભમ અને નાની સૃષ્ટિ બેઠા હતા."
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર પૂરઝડપે વાહન હંકારવાના કારણે વધુ એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ જતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
