ભરૂચ, ભાવનગર બાદ હવે AAPની નજર દાહોદ લોકસભા બેઠક પર, કોંગ્રેસને કહ્યું- 'નિર્ણય લેવામાં વિલંબ કરશો તો અમે ઉમેદવાર જાહેર કરી દઈશું'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Feb 2024 10:15 PM (IST)Updated: Mon, 19 Feb 2024 08:13 AM (IST)
dahod-news-aap-to-announce-candidate-for-dahod-loksabha-seat
HIGHLIGHTS
  • આદિવાસી વિસ્તારમાં આપ મજબૂત સ્થિતિમાં
  • આપનું દાહોદ સંગઠન ચૂંટણી લડવા માટે સજ્જ

Dahod: આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને બીજી લોકસભા સીટો પર પણ મજબૂત સંગઠન બનાવી દીધું છે. આજે દાહોદ લોકસભામાં સંજેલી ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા.

આ તકે ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ સભામાં હાજર જનતા અને કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, દાહોદ લોકસભામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા વધુ મત મેળવ્યા હતા. ભરૂચની જેમ દાહોદમાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન આજે ઘણું મજબૂત છે. આજે અમે સંગઠનના સાથીઓને અને દાવેદારોને મળ્યા છીએ. અમારું માનવું છે કે, જેટલા ઝડપથી ઉમેદવારનો નિર્ણય લેવામાં આવે એટલું ચૂંટણી લડવામાં આસાની રહેશે. આથી જો કોંગ્રેસ નિર્ણય લેવામાં સમય પસાર કરશે તો આમ આદમી પાર્ટી દાહોદ લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે.

જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દાહોદ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી હાલ ઇન્ડિયા એલાયન્સમાં સભ્ય છે, માટે અમે ઈચ્છીએ છીએ કે ઝડપથી ઇન્ડિયા એલાયન્સ દાહોદની લોકસભા સીટ મુદ્દે નિર્ણય લે. આમ આદમી પાર્ટીનું દાહોદ સંગઠન ચૂંટણી લડવા માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મજબૂત પરિસ્થિતિમાં છે અને ભરૂચ બાદ દાહોદ લોકસભા સીટ પર પણ એક મજબૂત ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.