Natural Farming Dahod: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી વજૂ ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ગોહિલ વર્ષ 2014થી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના સફળ અમલીકરણ થકી તેઓ આજે વાર્ષિક રૂ. 2 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે અને જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
પ્રગતિશીલ ખેડૂતે ઘણા વૃક્ષોનું કર્યું વાવેતર
હર્ષદભાઈના ખેતરમાં 50થી વધુ આંબાનાં વૃક્ષો, 40 જેટલાં સરગવાનાં ઝાડ, પાંચ રાયણ, પાંચ લીંબુ, પાંચ ગુંદી સહિત જામફળ અને સિંદૂરનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ મકાઈ, ડાંગર, ચણા અને ઘઉં જેવા પરંપરાગત પાકોની સાથે રીંગણ, ટામેટાં, મરચાં, હળદર, લસણ, ડુંગળી અને ફણસી સહિત વિવિધ શાકભાજીનું ઉત્પાદન પણ કરે છે.
સારી આવક થતાં પ્રાકૃતિક ખેતીનો નિર્ણય
પ્રાકૃતિક ખેતીના અનુભવ અંગે હર્ષદભાઈ જણાવે છે કે, વર્ષ 2014માં સૌપ્રથમ ગાય આધારિત ફણસીની ખેતી કરી હતી. તેમાં સારી આવક મળતા મેં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. હું પોતાના ઘરે જ ગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત તૈયાર કરું છું. આ ઉપરાંત આચ્છાદન, વાપસા અને વર્મિકમ્પોસ્ટ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરીએ છીએ. જેના પરિણામે જમીનની ફળદ્રુપતા જળવાય છે અને પિયત માટે પાણીની જરૂરિયાતમાં પણ ઘટાડો થયો છે.
ખેડૂતે જિલ્લાના બીજા ખેડૂતોને આપ્યો સંદેશ
હર્ષદભાઈ જિલ્લાના અન્ય ખેડૂતોને સંદેશ આપતાં જણાવે છે કે, રાસાયણિક ખાતર અને દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થઈ શકે છે. તેથી ખેડૂતોએ ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. પ્રાકૃતિક ખેતીથી લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી શકે છે તેમજ જમીનની ગુણવત્તા જાળવી શકાય છે.
ખેતીમાં આવકની સાથે પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનું, પોતાના પરિવારનું અને આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખીએ.
