દાહોદમાં નશાના કારોબાર પર SOGનો સપાટો: દુધામલી ગામે ખેતરોમાંથી કરોડોનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

દાહોદ SOGએ ધાનપુરના દુધામલી ગામે દરોડો પાડી રૂ. 2.30 કરોડથી વધુ કિંમતના 460.830 કિલો લીલા ગાંજાના 378 છોડ જપ્ત કર્યા છે. FSL તપાસ બાદ NDPS એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 10:59 AM (IST)Updated: Thu, 26 Nov 2026 10:59 AM (IST)
dahod-dhanpur-dudhamali-ganja-cultivation-sog-raid-2-crore-seized-accused-arrested-ndps-act

Dahod News: દાહોદ જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ અને વાવેતર સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. દાહોદ SOG પોલીસે ધાનપુર તાલુકાના દુધામલી ગામે મોટી કાર્યવાહી કરીને રૂ. 2.30 કરોડથી વધુની કિંમતનો લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધાનપુરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

મળતી માહિતી અનુસાર, દાહોદ SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ધાનપુરના દુધામલી ગામના સ્ટેશન ફળિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસ દ્વારા કોલાભાઈ વિરાભાઈ બારીયા નામના શખ્સના કબજા હેઠળના ત્રણ ખેતરોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ખેતરોમાંથી લીલા ગાંજાનું મોટું ગેરકાયદે વાવેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરોમાંથી ગેરકાયદે વાવેતર કરાયેલા લીલા ગાંજાના કુલ 378 છોડ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા આ સમગ્ર જથ્થાનું વજન 460.830 કિલોગ્રામ થવા જાય છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 2,30,41,500/- આંકવામાં આવી છે.

FSL રિપોર્ટમાં ગાંજો હોવાનું ખુલ્યું

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પર એફએસએલના અધિકારીઓને બોલાવ્યા હતા. એફએસએલ અધિકારીઓ દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરતા જપ્ત કરાયેલો મુદ્દામાલ ગાંજો જ હોવાનું સત્તાવાર રીતે પ્રમાણિત થયું હતું.

એસઓજીએ આરોપી સામે ગુનો નોંધ્યો

ત્યારબાદ SOG ટીમે આરોપી કોલાભાઈ વિરાભાઈ બારીયાની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી ધરપકડ કરી હતી અને લીલા ગાંજાના છોડ સહિતનો સમગ્ર મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપી વિરુદ્ધ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ મામલે SOG પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આ ગેરકાયદે વાવેતર પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને તૈયાર થતો આ જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો. દાહોદ જિલ્લામાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપાતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.