Dahod: મુવાલીયા ચોકડી પર 'આદિવાસી દિવસ'ની ઉજવણીમાં હિંસા, ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ 'આઈ સપોર્ટ ચૈતર વસાવા'ના બેનરો લગાવીને લાવેલા DJ સહિતના વાહનોઓ રસ્તાની વચ્ચોવચ્ચે ઉભા રાખીને રોડ બ્લોક કરી દીધો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Aug 2026 05:50 PM (IST)Updated: Sun, 09 Aug 2026 05:50 PM (IST)
dahod-adivasi-divas-violence-clash-at-muvaliya-chokdi-over-dj-police-fire-tear-gas

Dahod: દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલી મુવાલીયા ચોકડી નજીક 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી દરમિયાન અચાનક મામલો બિચકતા હિંસા ભડકી હતી.

હકીકતમાં આદિવાસી સમાજ દ્વારા અગાઉ ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં, કેટલાક લોકો ઉજવણીમાં ડીજે લઈને આવ્યા હતા. આ બાબતે પોલીસ સાથેની વાતચીત અને બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ પર અને સામસામે ભારે પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં રસ્તા પરથી પસાર થતા અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આખરે હિંસક બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના અનેક સેલ છોડતા પથ્થરમારો કરનારા તત્વો ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનાની ગંભીરતાને જોઈને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

AAPના આગેવાનો 'આઈ સપોર્ટ ચૈતર વસાવા'ના બેનરો લગાવીને DJ લાવ્યા હતા

આ મામલે દાહોદ પોલીસે પત્રકાર પરિષદ યોજીને એક મોટો અને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા 'આઈ સપોર્ટ ચૈતર વસાવા' ના બેનરો લગાવીને ડીજે લાવવામાં આવ્યા હતા.

આ ડીજે અને ખાનગી વાહનોને રોડ વચ્ચે આડેધડ ઊભા રાખીને મુખ્ય માર્ગ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને જાણી જોઈને બબાલ ઊભી કરવામાં આવી હતી. આ ટોળા દ્વારા સામાન્ય લોકોને ઉશ્કેરીને પોલીસ કાફલા પર પણ પથ્થરમારો કરાવવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે અને પોલીસ દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે ઉપલબ્ધ વીડિયો ફૂટેજ અને CCTVના આધારે હુમલાખોરો અને તોફાની તત્વોની ઓળખ કરવાની સઘન પ્રક્રિયા હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરાઈ છે, જ્યારે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.