Ujjain Highway Accident: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બદનાવર-બડવાની-ઉજ્જૈન રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલા એક કન્ટેનરે ઈકો કારને ઠોકર મારતા કારમાં સવાર 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક ઘાયલ હોવાની જાણકારી મળી છે.
મૃતકમાં 3 પુરુષ અને 3 મહિલા, તમામ ગુજરાતના વતની
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આ અકસ્માત ધારના બદનાવર-બડવાની-ઉજ્જૈન માર્ગ પર થયો છે. જેમાં ઈકો કારમાં સવાર લોકો ઉજ્જૈનમાં બાબા મહાકાલના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર રોંગ સાઈડમાં આવેલી રહેલા કન્ટેનરે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી.
કન્ટેરનની ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોના મોત નીપજ્યા છે. બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં કારના પતરા ચીરીને એક પછી એક 6 જણાના મૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગે વિગતો આપતા ASP વિજય ડાવરે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કન્ટેનરનો ડ્રાઈવર રોંગ સાઈડમાં આવતા કાર સાથે ટક્કર થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે કન્ટેનરના ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે, જે પીધેલો હોવાનું લાગતા મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે.
આ અકસ્માતમાં મૃતકોમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓ છે, જેઓ ગુજરાતના દાહોદ અને વડોદરાના વતની હોવાનું માલૂમ પડ્યું છે. જે ઉજ્જૈન દર્શન કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
