ગૃહમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ! હાંફેશ્વરમાં બોટિંગ કર્યું, આદિવાસી યુવાનની દુકાને ચા પીધી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાંફેશ્વરમાં બોટિંગની મજા માણી, પાનવડમાં આદિવાસી યુવાનની ચાની દુકાને ચા પીધી, લોક દરબારમાં 41 પ્રશ્નો ઉકેલ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 02:09 PM (IST)Updated: Sun, 29 Nov 2026 02:09 PM (IST)
harsh-sanghvi-boating-hafeshwar-chhota-udepur-tribal-tea-stall-development-announcements

Chhota Udepur News: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા, તેઓએ હાંફેશ્વર ખાતે મહાદેવના દર્શન કરીને બોટિંગની મજા પણ માણી હતી. તેમજ કવાંટ તાલુકાના પાનવડ ગામેથી પસાર થતી વખતે ગૃહમંત્રીએ પોતાનો સમગ્ર કાફલો રોકાવ્યો હતો. સામાન્ય ચાની દુકાન ચલાવી જીવનનિર્વાહ કરતા એક આદિવાસી યુવાનની દુકાને ઊભા રહી ગરમાગરમ ચાની ચૂસકી માણી હતી. રાજ્યના ગૃહમંત્રીને પોતાની વચ્ચે સામાન્ય નાગરિકની જેમ ચા પીતા જોઈને આદિવાસી યુવાન અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો.

હર્ષ સંઘવીએ બોટિંગ કર્યુ અને લોકદરબાર યોજ્યો

આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર ખાતે આયોજિત 'લોક દરબાર'માં હાજરી આપીને સ્થાનિક નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોને રૂબરૂ સાંભળ્યા હતા. ઉપરાંત હાંફેશ્વર મહાદેવના દર્શન કરીને બોટિંગની મજા માણી હતી. વહીવટી તંત્રની ત્વરિત કામગીરી થકી લોક દરબારમાં રજૂ થયેલા કુલ 41 જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ વૃદ્ધોને મળતી સરકારી સહાય સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા અને DLCની પડતર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના આપી હતી.

પેરાગ્લાઇડિંગ તાલીમ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત

જિલ્લાના સર્વાંગી વિકાસ અને માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા માટે ગૃહમંત્રીએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ₹330 કરોડના ખર્ચે નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને નિખારવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો એથ્લેટિક્સ ટ્રેક, તીરંદાજી (આર્ચરી) માટેની આધુનિક સુવિધાઓ તેમજ યુવાનો માટે ખાસ પેરાગ્લાઇડિંગ તાલીમ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

છોટાઉદેપુરથી વાઘોડિયા વચ્ચે નવી એસ.ટી. બસ શરુ કરવાનો નિર્ણય

પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે પણ જિલ્લાને મોટી ભેટ મળી છે. પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે જિલ્લામાં 100 જેટલા નવા હોમસ્ટે તૈયાર કરવામાં આવશે અને સ્થાનિક સંસ્કૃતિના પ્રતીક સમાન 'ગરના મેળા'ને વધુ ભવ્ય બનાવવાનું આયોજન કરાયું છે. મુસાફરોની સુવિધા માટે છોટાઉદેપુરથી વાઘોડિયા વચ્ચે નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાનો તેમજ દાહોદથી આવતી બસ સેવાને કવાંટ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ગૃહમંત્રીની આ મુલાકાત અને વિકાસલક્ષી જાહેરાતોથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.