Dy CM Harsh Sanghvi Chhota Udepur visit: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છોટા ઉદેપુર જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમના પ્રવાસના પ્રથમ દિવસે ધાર્મિક આસ્થા, વિકાસ કાર્યોની સમીક્ષા અને આદિવાસી લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પ્રવાસની શરૂઆતમાં વહેલી સવારે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોની સરહદે આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ હાંફેશ્વર ખાતે પહોંચ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ હાંફેશ્વર મહાદેવના કર્યા દર્શન
હાંફેશ્વર ખાતે સ્થાનિક ઘેરૈયાઓએ પરંપરાગત નૃત્ય અને ગાન સાથે નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીએ હાંફેશ્વર મહાદેવના મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા અને શિવલિંગ પર જળાભિષેક કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દર્શન કર્યા બાદ તેમણે મંદિર પરિસરમાં પ્રવાસન વિભાગ દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કામોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સમગ્ર પ્રોજેક્ટની પ્રગતિ અંગે જરૂરી વિગતો મેળવી હતી. ત્યારબાદ તેમણે નર્મદા નદીના કિનારે જઈને નદીમાં બોટિંગનો રોમાંચક આનંદ પણ માણ્યો હતો.
ગ્રામજનો સાથે સંવાદ કરવા ખાટલા બેઠકનું આયોજન
પ્રવાસના પ્રથમ દિવસે કવાંટ તાલુકાના અન્ય નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હમીરપુરા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધવા માટે ખાસ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો સાથે ભોજન લીધા બાદ ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક નૃત્યનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો એક અલગ જ ઉત્સાહી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે માથા પર પરંપરાગત આદિવાસી પાઘડી ધારણ કરી હતી અને ઢોલ, ત્રાંસા તેમજ પિહાના મધુર તાલે નાચી રહેલા ગ્રામજનો સાથે ખુલ્લા મનથી નૃત્યમાં જોડાયા હતા. એટલું જ નહીં, ઉત્સાહમાં આવીને તેમણે એક આદિવાસી યુવાનના ખભા પર બેસીને પણ નૃત્ય કરી સૌના દિલ જીતી લીધા હતા.
નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી પરંપરાની પ્રશંસા કરી
આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને લોકસંસ્કૃતિની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિ આપણી અનમોલ વિરાસત છે, જેને જાળવી રાખવી અને આવનારી પેઢી સુધી આગળ વધારવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.
વિવિધ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂબરૂ મુલાકાત લઈને વિવિધ અગત્યના ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનનો ટુરિઝમ રિસેપ્શન કાઉન્ટર ફેઝ-1 અને 2 અને રેવા ઇકો ટુરિઝમ સાઇટ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નર્મદા નદીમાં બોટિંગ મારફતે સ્થળની સ્થિતિનો તાગ મેળવી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
