Chhota Udepur News: પાવી જેતપુરમાં હૃદયદ્રાવક ઘટના; માસીના ઘરે આવેલા આણંદના 26 વર્ષીય યુવકનું ટ્રેન અડફેટે મોત

આણંદના સોજીત્રાનો યુવક પાવી જેતપુરમાં માસીના ઘરે આવ્યો હતો. રાત્રિના સમયે તે મુખ્ય રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 06 Oct 2026 12:37 PM (IST)Updated: Tue, 06 Oct 2026 12:37 PM (IST)
chhota-udepur-news-26yearold-man-killed-after-being-hit-by-train-in-pavi-jetpur

Chhota Udepur News: પાવી જેતપુરમાં ટ્રેન અડફેટે યુવકનું મોત નીપજ્યું છે. આણંદનો 26 વર્ષીય યુવક પાવી જેતપુરમાં માસીના ઘરે આવ્યો હતો. જે દરમિયાન મુખ્ય રેલવે ફાટક નજીક ટ્રેન અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ રાહુલ વિપિનભાઈ સોલંકી (ઉંમર 26 વર્ષ) તરીકે થઈ છે. રાહુલ મૂળ આણંદ જિલ્લાના સોજીત્રા ગામનો નિવાસી હતો અને પાવી જેતપુરમાં રહેતા પોતાના માસીના ઘરે મુલાકાતે આવ્યો હતો. દરમિયાન, રાત્રિના સમયે તે મુખ્ય રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો. ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં રાહુલને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

પ્રાથમિક તારણ મુજબ, અંધારાના કારણે અથવા ટ્રેનની ઝડપનો ખ્યાલ ન રહેતાં આ દુર્ઘટના ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ફાટક પાસે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને કરાતાં પાવી જેતપુર સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસ ની કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરી હતી.

અકસ્માત બાદ મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવતાં તેમના પર આભ તૂટી પડ્યું હતું. પાવી જેતપુર અને રેલવે પોલીસે સંયુક્ત રીતે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવક રેલવે લીટી નજીક કયા સંજોગોમાં પહોંચ્યો હતો અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં પોલીસ હાલ ચકાસણી કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાશે.