છોટાઉદેપુર: વાઘવા ગામે 20 વર્ષીય યુવતી પર દીપડાનો હુમલો, માથા અને હાથમાં ગંભીર ઈજા

દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને બોડેલીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 20 Nov 2026 10:05 PM (IST)Updated: Fri, 20 Nov 2026 10:05 PM (IST)
chhota-udepur-leopard-attack-on-20-year-old-woman-vaghwa-village-bodeli

Chhota Udepur Leopard Attack: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાઘવા ગામમાં વહેલી સવારે દીપડાએ એક યુવતી પર હુમલો કર્યો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. રોજિંદા કામ માટે ખેતર તરફ જઈ રહેલી યુવતી દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત હતી. યુવતીને બોડેલીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.

ઘાસચારો લેવા જતી યુવતી પર દીપડાનો હુમલો

મળતી માહિતી અનુસાર, બોડેલી તાલુકાના વાઘવા ગામના મોતીપુરા ફળિયામાં રહેતા 20 વર્ષીય રેણુકાબેન વિક્રમભાઈ રાઠવા વહેલી સવારે પશુઓ માટે ઘાસચારો લાવવા ખેતર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સંતાઈને બેઠેલા દીપડાએ અચાનક તરાપ મારી યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અણધાર્યા હુમલામાં રેણુકાબેનના માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

યુવતીની બૂમાબૂમ સાંભળી ગ્રામજનો દોડી આવ્યા

પોતાના બચાવ માટે રેણુકાબેને જોરશોરથી બૂમાબૂમ શરૂ કરતા નજીકમાં હાજર ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતાં અને અવાજ સાંભળીને દીપડો યુવતીને મૂકીને નજીકની ઝાડી તરફ ભાગી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને ગ્રામજનોએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ગંભીર ઈજાઓ થતાં જાંબુઘોડાથી બોડેલી રિફર કરી

ઈજાગ્રસ્ત રેણુકાબેનને સારવાર અર્થે પ્રથમ જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીની સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે બોડેલી ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી વાઘવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય જોવા મળ્યો.

દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ

ખાસ કરીને વહેલી સવાર અને સાંજના સમયે ખેતરે જવામાં લોકો ખચકાઈ રહ્યા છે. દીપડાની સતત અવરજવરથી ગ્રામજનોની સુરક્ષા જોખમાઈ હોવાથી વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને ઝડપી પાડવામાં આવે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.