Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હેરણ નદી પર કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત રબર ડેમ હાલ ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે બનાવાયેલા આ ડેમનો મૂળ હેતુ સ્થાનિક પ્રજાને રાહત આપવાનો હતો, પરંતુ તંત્રની કથિત લાપરવાહીના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નદીનું પુષ્કળ પાણી વહી ગયું
ચોમાસાની ઋતુ દરમિયાન યોગ્ય સમયે ડેમના બ્લેડર ઊંચકવામાં ન આવતાં નદીનું પુષ્કળ પાણી સંગ્રહિત થયા વગર જ વહી ગયું હતું. હવે જ્યારે નદીનો પટ સૂકો થવા લાગ્યો છે અને સિંચાઈની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે તંત્ર દ્વારા બ્લેડર ઊંચકવાની મોડી કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજવાસણા અને કાશીપુરા વિસ્તાર ભૂગર્ભ જળસ્તરની દૃષ્ટિએ રેડ ઝોનમાં આવે છે. અહીં દર વર્ષે પાણીનું સ્તર નીચે જવાથી ખેતી અને પીવાનાં પાણીની ગંભીર કટોકટી સર્જાય છે.
ડેમ ખાલી રહેતાં ખેડૂતોને ચિંતા
આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને જ હેરણ નદી પર ત્રણ બ્લેડર ધરાવતો આ મહત્ત્વપૂર્ણ ડેમ બનાવવામાં આવ્યો હતો. આ ડેમ દ્વારા અંદાજે 25 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ પહોંચાડવાનું આયોજન હતું. પરંતુ, પાણી રોકવાના મહત્ત્વપૂર્ણ સમયે જ તંત્રની બેદરકારીના કારણે ડેમ ખાલીખમ રહ્યો છે, જેનાથી આ પ્રોજેક્ટની ઉપયોગિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
પાકને નુકસાન થવાની ભિતિ
હાલમાં શિયાળુ પાકની સિઝનમાં પાણીના અભાવે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની પૂરી ભીતિ છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ મોટો આર્થિક ખર્ચ કર્યો છે, પરંતુ પાણીના જોખમને કારણે તેમની મહેનત એળે જતી દેખાઈ રહી છે. આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર માગ કરવામાં આવી છે કે, અહીંથી માત્ર બે કિલોમીટર દૂર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી છોડીને હેરણ નદીના આ રબર ડેમ સુધી પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
લોનના વ્યાજમાં રાહત આપવા માંગ
આ ઉપરાંત, પાકને સંભવિત નુકસાન અને આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને ખેડૂતોને લોનના વ્યાજમાં રાહત આપવામાં આવે તેવી પણ માગ ઉઠી છે. કરોડો રૂપિયાના લોકકલ્યાણકારી પ્રોજેક્ટમાં થયેલા આ વિલંબ અને બેદરકારી બદલ જવાબદારી નક્કી કરવી અનિવાર્ય છે.
