બોડેલીમાં ટ્રેનની અડફેટે માતા-પુત્રનું મોત, દેહ છિન્નભિન્ન થયા; પુત્રનું શીશ કપાઈ નહેરમાં પડ્યું

બોડેલી નજીક નર્મદા કેનાલના રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહેલા માતા-પુત્ર ટ્રેનની અડફેટે ચડ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 20 Oct 2026 03:53 PM (IST)Updated: Tue, 20 Oct 2026 03:53 PM (IST)
bodeli-railway-bridge-train-accident-mother-son-death-chhotaudepur-news

Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. બોડેલી નજીક સ્થિત નર્મદા કેનાલના રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહેલા માતા અને પુત્ર અચાનક ટ્રેનની અડફેટે આવી જતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે પુત્રનું માથું અને માતાનું અડધું શરીર કપાઈને નહેરમાં પડી ગયું હતું. આ ભયાનક બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી છે.

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, માતા અને પુત્ર બંને બપોરના સમયે ખેતર નજીક દુકાને પરિજનો તથા વહુને ટિફિન આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. ટૂંકો રસ્તો હોવાથી તેઓ નર્મદા કેનાલના રેલવે બ્રિજ પરથી ચાલીને રેલવે લાઈન ઓળંગી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આવી પહોંચેલી ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા.

મૃતકોની ઓળખ જૂની બોડેલીના જૈન ફળિયામાં રહેતા 65 વર્ષીય ગંજીબેન ગણપતભાઈ બારિયા અને તેમના 32 વર્ષીય પુત્ર પરેશભાઈ ગણપતભાઈ બારિયા તરીકે થઈ છે. એક જ પરિવારના બે સભ્યોના અવસાનના સમાચાર મળતા જૂની બોડેલીના જૈન ફળિયા સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.