Shree Hanumant Charitra Katha - New Jersey Day 2: સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દેશ-વિદેશમાં દાદાનો મહિમા પ્રસરાવી રહ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં ગઈકાલથી ત્રણ દિવસ શ્રીહનુમાન ચરિત્ર કથાનું યોજાઈ રહી છે. જેમાં કથાના બીજા દિવસે વક્તા હરિપ્રકાશ સ્વામીએ દાદાના ભક્તોને કથાનું રસપાન કરાવતા એક દૃષ્ટાંત સાથે સમજાવ્યું કે, લોકોએ મુશ્કેલીના સમયમાંથી નીકળવા માટે વિશ્વાસ રાખવો.
હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, મેં હમણા ક્યાંક એક વાત કરી હતી કે, મોટું જબરું જહાજ જતુ હતું. તેમાં હજારો લોકો મુસાફરી કરી રહ્યાં હતા. મધ દરિયે અચાનક ભયંકર વાવાઝોડું આવ્યું અને કેપ્ટને કહ્યું કે, સ્થિતી કંટ્રોલ બહાર છે, હું કઈ કરી શકું એમ નથી. જહાજમાં સવાર બાળકો, મહિલાઓ રોકકડાટ અને ઉપાધીનો પાર ન રહ્યો હોય તેમ અફરાતફરીનો માહોલ સર્જાયો.
આ પણ વાંચો
તેમણે વધુમાં કહ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાં એક વ્યક્તિ આવ્યો અને કહ્યું સાંભળો…સાંભળો આ જહાજને કંઈ નથી થવાનું હું બેઠો છું ને, બધા લોકો તેની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એ વ્યક્તિ જોમ અને જુસ્સા સાથે ત્રણ વખત બોલ્યો આ જહાજને કંઈ નથી થવાનું અને થાય તો મને કહેજો, ત્યારે બાદ બધા લોકો શાંત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ ભાઈમાં કંઈક ચમત્કાર હશે. જહાજનો માહોલ શાંત થઈ ગયો પરંતુ બહાર તો વાવાઝોડું યથાવત જ હતું. અડધી કલાક પછી મોતના મોજા સાથે વાવાઝોડું શાંત થયું અને જહાજ શાંતીથી ચાલવા લાગ્યું ત્યારે લોકોને અહેસાસ થયો કે આ વ્યક્તિમાં કંઈક તો છે.
હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, જહાજમાં સવાર હજારો લોકોમાંથી એક મરદ માણસ તે વ્યકિત પાસે આવીને બોલ્યો કે તમે એકલા મળો મારે તમારું કામ છે. ત્યારે પેલો વ્યક્તિ બોલ્યો કે બોલોને ભાઈ ત્યારે પેલા માણસે કહ્યું કે, ધન્યવાદ છે તમને, તમે ચમત્કાર કરીને હજારો લોકોની જીંદગી બચાવી. ત્યારે એ વ્યક્તિ બોલ્યો હું કાઈ ચમત્કારિક માણસ નથી, તારા જેવો સામન્ય માણસ જ છું. ત્યારે પેલા માણસે એક પ્રશ્ન કર્યો કે કંઈક થયું હોત તો તમે શું કરેત? ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું કે કઈ થયું હોત તો હું તમારી ભેગો જ હોત ને, તમે કોઈ મને પૂછવા આવવાના હતા, આપણે બધા સાથે જ પાણીમાં જવાના હતા ને. પણ મે હિંમત કરીને કહ્યું કે હું બેઠો છું ને, તમે ક્યાં કોઈ મને પૂછવા આવવાના હતા.
તેમણે વધુમાં કહ્યું કે, આ તકે પહેલો માણસ ફરી સવાલ કરે છે કે પણ તમે આટલી મસ્તિથી કહ્યું તેનું કારણ શું? ત્યારે એ વ્યક્તિએ જે અદ્ભુત જવાબ આપ્યો છે તેમને કહ્યું કે, મેં મારી જીંદગીમાં નક્કી કર્યું છે કે જીવવું મસ્તિથી અને મરવું પણ મસ્તિથી…જે લોકોને ભગવાનનો ભરોસો છે ને યાર તે લોકોને જીવનમાં આનંદ ક્યારેય ખૂટતો નથી.
