સાળંગપુરધામમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી: દેશ-વિદેશની બહેનોએ મોકલેલી હજારો રાખડીઓથી કષ્ટભંજનદેવ હનુમાનજીનો દિવ્ય શણગાર

સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીને રક્ષાબંધન પર્વે દેશ-વિદેશની બહેનો દ્વારા મોકલાયેલી હજારો રાખડીઓનો દિવ્ય શણગાર કરાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 27 Aug 2026 02:23 PM (IST)Updated: Thu, 27 Aug 2026 02:23 PM (IST)
salangpur-shri-kashtabhanjan-dev-rakshabandhan-celebration-kashtabhanjandev-rakhi-darshan

Salangpur Hanumanji Rakshabandhan Decoration: પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા છે. આ પર્વ નિમિત્તે દેશ અને વિદેશમાંથી હજારો બહેનો અને દીકરીઓ દ્વારા પ્રેમપૂર્વક ઘરે જ બનાવીને મોકલવામાં આવેલી રાખડીઓથી દાદાના સિંહાસનને અદ્ભુત અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

"મારા દાદાને મારી રાખડી" ભાવપૂર્ણ અભિયાન

દર વર્ષની જેમ આ વર્ષે પણ "મારા દાદાને મારી રાખડી" અભિયાન અંતર્ગત બહેનોએ આ રાખડીઓ મોકલી હતી, જેથી હનુમાનજી દાદા સદાય તેમની રક્ષા કરે. પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આ પવિત્ર આયોજન તારીખ 27-08-2026 ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. હજારો બહેનોએ રાખડીઓ સાથે દાદાને પત્રો પણ લખ્યા હતા, જે તમામ પત્રો દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે. વહેલી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની ભવ્ય શણગાર આરતી કરવામાં આવી હતી.

રાખડીઓમાં જોવા મળી અદ્ભુત કલાત્મકતા અને વિવિધતા

દાદાને અર્પણ કરવામાં આવેલી રાખડીઓમાં ભારે વૈવિધ્ય અને અદ્ભુત કલાત્મકતા જોવા મળી હતી. બહેનોએ ઘરે જ તૈયાર કરેલી રાખડીઓમાં આર્ટિફિશિયલ કેમિકલ, કાપડ, ઉનમાંથી ગૂંથેલી, મોરપંખવાળી, બાણ આકારની તેમજ કોડી અને મોતીથી બનાવેલી રાખડીઓ સામેલ છે. આ ઉપરાંત ટોન ડેકોરેશન કરેલી, ફૂલવાળી, શ્રીરામના મુખવાળી, દાદાના ફોટા તથા પેન્ટિંગવાળી, લાકડામાંથી બનાવેલી, ઘૂઘરીવાળી, તેમજ ભારતનો નકશો (ઇન્ડિયા મેપ) અને ચોખામાંથી બનાવેલી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેટલીક ખાસ રાખડીઓ પર હનુમાન ચાલીસા પણ લખેલી હતી.

આ રાખડીઓ ગોળ, ચોરસ, લંબચોરસ અને લંબગોળ જેવા વિવિધ આકારોમાં ઉપલબ્ધ હતી. કદની દ્રષ્ટિએ પણ ભારે વિવિધતા હતી, જેમાં 3 ફૂટ વાળી, 2 ફૂટ કેકના આકારવાળી, 1.5 ફૂટ રામ ભગવાનના ફોટાવાળી, 1.5 ફૂટ દાદાના ફોટાવાળી અને 1 ફૂટ દાદાના ફોટાવાળી વિશાળ રાખડીઓ પણ દાદાને અર્પણ કરવામાં આવી હતી.

રક્ષાબંધન પર્વની પૌરાણિક પરંપરા

વર્ષો પહેલાં લક્ષ્મીજીએ દાનવીર રાજા બલીને રક્ષાસૂત્ર બાંધીને પોતાના ભાઈ બનાવ્યા હતા. ત્યારથી જ શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે રક્ષાબંધન ઉજવવાની ભવ્ય પરંપરા ચાલી આવે છે. આ પવિત્ર પરંપરાને અનુસરીને જ આજે સાળંગપુરધામ ખાતે દેશ-વિદેશની હજારો બહેનોએ દાદા પ્રત્યેનો પોતાનો પરમ ભાવ વ્યક્ત કર્યો છે.