Salangpur Kashtabhanjandev Temple News: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. જેમાં હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત હનુમાનજી દાદા પર 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
દાદાનો ભવ્ય શણગાર અને મનોરમ ગર્ભગૃહ
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી આજે 18 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અને વિવિધ રંગબેરંગી ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગર્ભગૃહમાં દાદાના સિંહાસનને રંગબેરંગી ફૂલો અને હરિયાળી દ્વારા અત્યંત આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું.
દિવ્ય રાજોપચાર પૂજન બાદ ભવ્ય પુષ્પવર્ષા
આ દિવ્ય વાતાવરણમાં સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા પ્રાતઃ આરતી કરવામાં આવી હતી. જે બાદ સાંજે 5:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજન દરમિયાન દાદાને દિવ્ય શણગાર સાથે ફળ, પુષ્પ તેમજ ડ્રાયફ્રુટધરવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે હનુમાનજી મહારાજ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
સેંકડો ભક્તોને સંધ્યા આરતી દર્શનનો લાભ
સાંજે 7:00 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાની દિવ્ય સંધ્યા આરતી મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ દિવ્ય પ્રસંગે સાળંગપુર ધામ ખાતે ઉપસ્થિત હરિભક્તો તેમજ દેશ-વિદેશમાંથી ઓનલાઈન માધ્યમથી જોડાયેલા હજારો ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
શું છે ભવ્ય રાજોપચાર પૂજા અને તેનું મહત્વ?
ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુર ધામમાં કોઈને કોઈ કારણોસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે, તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.
ત્યારબાદ પ્રાંતિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદ અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતના સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજીને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.
