Salangpur Temple Shravan Mahotsav: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પાવન શ્રાવણ માસ દરમિયાન દાદાને અનેકવિધ શણગાર અને અન્નકૂટ કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત તા.05-09-2026ને શનિવારના રોજ દાદાને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો.
હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ, ગળામાં હાર, સોનાના મણકાવાળા દાગીના સાથે શ્રીરામના પરમ ભક્ત એવા શ્રીકષ્ટભંજનદેવને 'રામ નામ' અંકિત કરેલા પીળા,વાદળી અને લાલ રંગની કિનારીવાળા સુંદર દિવ્ય વાઘાનો આકર્ષક શણગાર કરાયો હતો. ગર્ભગૃહ અને સિંહાસનને સફેદ ફૂલો વડે સુંદર સજાવવામાં આવ્યું છે. બંને બાજુએ ફૂલો અને હરિયાળીથી બનાવેલા બે ભવ્ય મોરની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે શણગારને સુશોભિત કરે છે.
શ્રાવણ માસ દરમિયાન મહાઅન્નકૂટ
શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં '1008 મીઠાઈ અને વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ' ધરાવાયો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને 1008 પ્રકારની વિવિધ મિષ્ઠાનો-વાનગીઓ જેમાં અલગ-અલગ પ્રકારની મિઠાઈઓ, ફરસાણ, બેકરી આઈટમ, વિવિધ પ્રકારના શાક -ઇટાલિયન વાનગીઓ વગેરે 1008 વિવિધ અવનવી વાનગીઓનો મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શનિ-મંગળવારે વિવિધ આયોજન
શ્રી કષ્ટભંજનદાદાની મહાઅન્નકૂટ આરતી બપોરે 11:15 કલાકે આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.વિશાળ સંખ્યામાં ભક્તોએ દાદાના મહાઅન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે.
દર રવિવારે સાંજે 5 કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા અને સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું આયોજન કરવામાં આવ્યું છે.
