Janmashtami 2026: સાળંગપુરધામમાં જન્માષ્ટમીની ઉજવણી, દાદાને મોરપીંછનો દિવ્ય શણગાર; જુઓ દિલધડક મટકીફોડનો VIDEO

મટકીફોડ કાર્યક્રમ અને DJ રાસગરબાના તાલે હજારો યુવાનો સહિત ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 04 Sep 2026 04:02 PM (IST)Updated: Fri, 04 Sep 2026 04:04 PM (IST)
salangpur-hanuman-temple-janmashtami-2026-celebration-matki-phod-video-botad
Salangpurdham Janmashtami 2026

Salangpurdham Janmashtami 2026: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ ગોકુલ આઠમ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવનું સુંદર અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું.

દાદાને મોરપીંછનો દિવ્ય શણગાર-અન્નકૂટ

જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મોરપીંછનો વિશેષ અને અલૌકિક દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પવિત્ર ઉત્સવના પ્રારંભે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ દાદાના સન્મુખ વિવિધ વાનગીઓ ધરાવીને ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેનો લ્હાવો લેવા વહેલી સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

DJ તાલે રાસગરબાની રમઝટ અને મટકીફોડ

મંદિર પરિસરમાં દિવસ દરમિયાન પરંપરાગત અને આધુનિક શૈલીના વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ મચી હતી. સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 કલાક દરમિયાન ભવ્ય મટકીફોડ, કેક કટિંગ અને ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે DJ ના ધબકારા પર હજારો યુવાનો રાસ ગરબાની રમઝટમાં ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. સાંજે વિરામ બાદ, રાત્રે 9:00 વાગ્યાથી ફરીથી રાસ ગરબાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ બરાબર મધ્યરાત્રિએ 12:00 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય મહાઆરતી કરવામાં આવશે.

સાળંગપુરધામમાં ભવ્ય શ્રાવણ માસ મહોત્સવ

સાળંગપુર ધામમાં શ્રાવણ માસ નિમિત્તે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી સતત એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં ભક્તો માટે વિશેષ દર્શન અને વિવિધ સેવા પૂજાના કાર્યોનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે.

વિશેષ અન્નકૂટ દર્શન (દર શનિવારે): દર શનિવારે ભગવાનને ફ્રુટ અન્નકૂટ, છપ્પન ભોગ, ચોકલેટ અને ડ્રાયફ્રુટ મીઠાઈના અદભુત અન્નકૂટ ધરાવવામાં આવે છે.

સુંદરકાંડ અને શિવ શણગાર: દર મંગળવારે સંગીતમય સુંદરકાંડના પાઠ અને દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર કરવામાં આવે છે.

રાજોપચાર પૂજન: દર રવિવારે સાંજે 4:30 કલાકથી 7:00 કલાક દરમિયાન રાજોપચાર પૂજન અને સાંજે 4:55 કલાકે મહા સંધ્યા આરતી યોજાય છે.

દૈનિક મારુતિ યજ્ઞ: શ્રાવણ માસ દરમિયાન ભક્તોના સુખ-શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે દરરોજ સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મારુતિ યજ્ઞ, હિંડોળા દર્શન અને કથા વાર્તાનું સુંદર આયોજન ચાલુ રાખવામાં આવ્યું છે.

સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દેશ-વિદેશના તમામ હરિભક્તોને શ્રાવણ માસના આ દિવ્ય મહોત્સવમાં પોતાના પરિવાર સાથે સાળંગપુર પધારી દાદાના દર્શન અને ભક્તિનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.