સાળંગપુરધામમાં શ્રાવણ મહોત્સવનો ભવ્ય પ્રારંભ, શ્રી કષ્ટભંજનદેવને શિવસ્વરૂપ શણગાર; જાણો મહિનાભરના કાર્યક્રમો

કષ્ટભંજનદેવ હનુમાનજીને વિવિધ શણગાર અને અન્નકૂટ તથા મારુતિ યજ્ઞના વિશેષ કાર્યક્રમ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 17 Aug 2026 03:31 PM (IST)Updated: Mon, 17 Aug 2026 03:31 PM (IST)
salangpur-kashtabhanjan-dev-temple-shravan-mahotsav-2026-event-details
Shravan Mahotsav 2026 at Salangpur Dham

Shravan Mahotsav 2026 at Salangpur Dham: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા શ્રાવણ મહોત્સવનું આયોજન સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

ગર્ભગૃહમાં કુદરતી થીમ પર શિવસ્વરૂપ શણગાર 

શ્રાવણ માસના પ્રથમ સોમવાર એટલે કે 17 ઓગસ્ટના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના ગર્ભગૃહમાં અત્યંત મનોહર કુદરતી થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ અલૌકિક દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી મેળવીને ધન્યતા અનુભવી હતી. આ આખા મહિના દરમિયાન દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગારથી સજાવવામાં આવશે.

દૈનિક મારુતિ યજ્ઞ અને શિવપૂજનનો સમય

શ્રાવણ માસ દરમિયાન ભક્તોની આધી, વ્યાધિ અને ઉપાધિ નિવારવા માટે દરરોજ સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી દૈનિક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, મંદિર પરિસરમાં આવેલા શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી શાસ્ત્રોક્ત વિધિથી વિશેષ શિવપૂજન કરવામાં આવશે.

શનિ-રવિ અને મંગળવારના વિશેષ આયોજન

આ શ્રાવણ મહોત્સવને વધુ ભક્તિમય બનાવવા માટે અઠવાડિયાના અલગ-અલગ દિવસ દરમિયાન વિશેષ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે:

દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ: દાદાના દરબારમાં વિવિધ સુંદરકાંડ મંડળો દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવશે, જેના માટે મંદિર પ્રશાસન તરફથી સાઉન્ડની વિશેષ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

દર શનિવારે અનોખા અન્નકૂટ: શ્રાવણ માસના પ્રત્યેક શનિવારે દાદાને વિવિધ પ્રકારના દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. જેમાં ફ્રુટ અન્નકૂટ, છપ્પન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ અને ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ આકર્ષણનું કેન્દ્ર બનશે.

દર રવિવારે રાજોપચાર પૂજન, મહાસંધ્યા આરતી: પ્રત્યેક રવિવારે સાંજે 4:30 કલાકથી 7:00 કલાક દરમિયાન દાદાનું ભવ્ય રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી યોજાશે, જેમાં સાંજે 4:45 વાગ્યે વિશેષ પૂજન કરવામાં આવશે.

હિંડોળા દર્શન અને જન્માષ્ટમીની ઉજવણી 

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી હરિ મંદિરમાં ભગવાન શ્રીહરિ અને શ્રી રાધા-કૃષ્ણ દેવના દિવ્ય હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના ચરણારવિંદની વિશેષ કલાત્મક સજાવટ નિહાળી હરિભક્તો ભાવવિભોર થઈ રહ્યા છે. આ સાથે જ દરરોજ સાંજે 5:00 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન નારાયણ મુની સ્વામી દ્વારા વિશેષ કથાનું રસપાન કરાવવામાં આવશે.

આ મહોત્સવના ભાગરૂપે આગામી 4 સપ્ટેમ્બરના રોજ પવિત્ર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ-ગરબા અને ડીજેના તાલે યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળશે. મંદિરના સત્તાધીશો દ્વારા તમામ શ્રદ્ધાળુઓને સહપરિવાર પધારીને દિવ્ય દર્શન અને વિવિધ ઉત્સવોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.