સાળંગપુરધામમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, કષ્ટભંજનદેવને મોરપીંછનો દિવ્ય શણગાર, મટકીફોડ અને ડીજે રાસગરબાનું આયોજન

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે 4 સપ્ટેમ્બર 2026ના રોજ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે. મોરપીંછનો શણગાર, અન્નકૂટ, મટકીફોડ, ડીજે રાસગરબા અને મધ્યરાત્રિએ મહાઆરતીનું વિશેષ આયોજન.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 03 Sep 2026 06:15 PM (IST)Updated: Thu, 03 Sep 2026 06:15 PM (IST)
salangpur-janmashtami-2026-grand-celebration-events

Salangpur Janmashtami Celebration 2026: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત ગોકુલ આઠમ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આગામી 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ મંદિરે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો ઉજવાશે, જેની પૂર્વ તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે.

દાદાને મોરપીંછ શણગાર અને મંગળા આરતી

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 4 સપ્ટેમ્બરના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મોરપીંછનો વિશેષ દિવ્ય શણગાર કરવામાં આવશે. આ પવિત્ર દિવસે વહેલી સવારે 05:30 કલાકે મંગળા આરતી અને સવારે 07:00 કલાકે શણગાર આરતી કરવામાં આવશે, જે બાદ દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાશે.

મટકીફોડ અને ડીજે રાસગરબાની રમઝટ

દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની વિગત આપતા મંદિર પ્રશાસને જણાવ્યું કે, સવારે 09:00 થી બપોરે 12:00 કલાક દરમિયાન મટકીફોડ, કેક કટિંગ અને વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ડીજે (DJ)ના તાલે યુવાનો માટે રાસગરબાની રમઝટ જામશે. ત્યારબાદ રાત્રે 09:00 વાગ્યાથી ફરીથી રાસગરબા શરૂ થશે અને બરાબર મધ્યરાત્રિએ 12:00 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવશે.

સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન યોજાતા દિવ્ય આયોજનો

સાળંગપુરધામમાં 13 ઓગસ્ટ 2026 થી 11 સપ્ટેમ્બર 2026 સુધી ચાલનારા શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો માટે વિશેષ પૂજન અને દર્શનનું આયોજન કરાયું છે.

વિશેષ અન્નકૂટ દર્શન: દર શનિવારે ફ્રુટ અન્નકૂટ, છપ્પન ભોગ, ચોકલેટ અને ડ્રાયફ્રુટ મીઠાઈના અન્નકૂટ ધરાવવામાં આવે છે.

સુંદરકાંડ અને શિવ શણગાર: દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ અને દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર કરાય છે.

રાજોપચાર પૂજન: દર રવિવારે સાંજે 04:30 થી 07:00 કલાક દરમિયાન રાજોપચાર પૂજન અને સાંજે 04:45 કલાકે મહાસંધ્યા આરતી યોજાય છે.

દૈનિક મારુતિ યજ્ઞ: શ્રાવણ માસ દરમિયાન ભક્તોના શાંતિ-સ્વાસ્થ્ય અર્થે સવારે 07:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી મારુતિ યજ્ઞ, હિંડોળા દર્શન અને કથા વાર્તાનું આયોજન છે.

મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તમામ ભક્તોને પરિવાર સાથે સાળંગપુર પધારી શ્રાવણ માસ મહોત્સવ અને આ ભવ્ય દિવ્ય દર્શનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.