Shravan 2026 at Salangpur Dham: ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી ભક્તિસભર વાતાવરણમાં પ્રારંભ થયો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આ અવસરે વિશેષ અને દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કઠોળમાંથી કલાત્મક ‘શિવસ્વરૂપ’ શણગાર
શ્રાવણ માસના પ્રથમ દિવસે એટલે કે 13 ઓગસ્ટ, ગુરુવારના રોજ, હનુમાનજી દાદાને અત્યંત અનોખો અને આકર્ષક શણગાર ધરાવવામાં આવ્યો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને મગ, અડદ, તલ, રાયડો અને અન્ય કઠોળના દાણાનો ઉપયોગ કરીને એક અત્યંત સુંદર શિવસ્વરૂપ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.
કઠોળના નાના દાણાથી બારીક ડિઝાઇન ઉપસાવીને દાદાનું આ દિવ્ય રૂપ તૈયાર કરવામાં આવ્યું હતું, અને ભગવાનને ડ્રેગન ફ્રૂટનો ખાસ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:45 કલાકે થયેલ શણગાર આરતીમાં હજારો ભક્તોએ રૂબરૂ તેમજ ઓનલાઈન માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમોની વણઝાર
13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ચાલનાર સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે:
દૈનિક મારુતિ યજ્ઞ: ભક્તોને શાંતિ મળે તે હેતુથી દરરોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી મારુતિ યજ્ઞ યોજાશે.
સોમવારનો વિશેષ શણગાર: દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર ધરાવાશે. આ ઉપરાંત નીલકંઠ મહાદેવ મંદિરમાં દરરોજ વિશેષ શિવ પૂજન કરવામાં આવશે.
મંગળવારના સુંદરકાંડ: દર મંગળવારે વિભિન્ન મંડળો દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન થશે.
શનિ-રવિવારના આયોજન: શનિવારે ફ્રૂટ, 56 ભોગ, ચોકલેટ વગેરે વિવિધ અન્નકૂટ અને રવિવારે સાંજે દાદાનુંભવ્ય રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી યોજાશે.
જન્માષ્ટમીની ઉજવણી અને હિંડોળા દર્શન
શ્રાવણ માસ દરમિયાન શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન અને દરરોજ સાંજે 5:00 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન નારાયણમુની સ્વામીના મુખેથી સત્સંગ કથાનું રસપાન કરાવવામાં આવશે. આ ઉપરાંત, 4 સપ્ટેમ્બર 2026 ના રોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે.
કૃષ્ણ જન્મોત્સવમાં મટકી ફોડ, રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સંતો દ્વારા દેશ-વિદેશના તમામ ભક્તોને આ પવિત્ર અવસરે સાળંગપુર ધામ પધારી દર્શનનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
