Shri Kashtabhanjandev Dada: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 01-01-2025 ને બુધવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કલરફુલ સેવંતીના મિક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.
આજે સવારે 5:45 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, કલરફુલ સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા ફૂલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. આજે 2025 વર્ષ પ્રારંભે આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદ તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ 16 -12-2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.
