Botad News: બોટાદમાં ગઢડા તાલુકામાં આવેલા માલપરા ખાતે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અને હિંસક અથડામણ સર્જાઈ હતી. કોઈ બાબતે થયેલા વિવાદને પગલે બંને પક્ષો ધારદાર હથિયારો લઈને સામસામે આવી જતાં ગ્રામ્ય પંથકમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. આ લોહિયાળ ધિંગાણામાં બે મહિલાઓ સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે આ ચકચારી બનાવની જાણ પોલીસને થઈ તો પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈને તપાસ શરુ કરી હતી.
મળતી માહિતી મુજબ, ગઢડા તાલુકાના માલપરા ખાતે દોઢેક માસ અગાઉ રખડતા પશુઓને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. આ જૂના ઝઘડાની દાઝ મનમાં રાખીને બદલો લેવાનું વિચારી રહ્યા હતા. ત્યારે અચાનક જ બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ જઈને લોખંડ અને પાઈપ સહિત તીક્ષ્ણ હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. બંને પક્ષે લોકોએ એકબીજા પર નિર્દયતાપૂર્વક ઘા ઝીંકતાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ હિંસક ઘટનામાં ઘણું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
2 ઈજાગ્રસ્તોને ભાવનગર અને 4ને અમરેલી ખસેડાયા
આ ભયાનક જૂથ અથડામણમાં હથિયારોના ઘા વાગવાથી બંને પક્ષના બે મહિલાઓ સહિત 6 લોકો લોહીલુહાણ થઈ નિઢાળ થઈને ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓની સ્થિતિ વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા છે, જ્યારે અન્ય 4 ઈજાઓ પામેલા લોકોને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકાયો
બનાવની જાણ થતાં જ ગઢડા પોલીસે માલપરા ગામે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરીને હુમલાખોરો સામે સઘન તપાસ શરૂ કરી છે.
-1794306384568_m.webp)