Gujarat Operation Gangajal: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે. સરકારના ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધારે બે તાલુકા વિકાસ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ મહેસૂલી કેડરના બે એડિશનલ કલેક્ટરને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપ્યા બાદ, હવે પંચાયત કેડરના વર્ગ 2ના બે TDO સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.
બે TDO સામે રાજ્ય સરકારની કાર્યવાહી
પ્રાપ્ત માહિતી પ્રમાણે, વર્ષ 2005ની બેચના ડાયરેક્ટ મૌસમસિંહ રાવ જેઓ ભાવનગરના શિહોર ખાતે TDO તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા 3 માસથી કચેરીમાં ગેરહાજર હતા. રાજ્ય સરકારે ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી કરતાં તેમની સામે ભ્રષ્ટાચાર અને વહીવટી કામગીરીમાં ગેરરીતિની ગંભીર ફરિયાદો બાદ નિવૃત્તિના પાંચ વર્ષ પહેલાં જ પાણીચું પકડાવી દેવાયું છે.
જ્યારે બીજી તરફ બોટાદના TDO હિમત ભૂવાતરાની સામે પણ ગંભીર આરોપો હોવાથી તેમને સરકારી નોકરીમાંથી તગેડી મૂકાયા છે. ઉપરાંત શિહોરના TDOને હટાવવાના સમાચાર મળતા જ સ્થાનિક સ્તર પર કોંગ્રેસ પક્ષ અને ગ્રામ્ય પંથકના લોકોએ ફટાકડા ફોડીને રાજ્ય સરકારની સરાહનીય કામગીરીને આવકારી છે.
શું બંને અધિકારીઓ સામે કાર્યવાહી થશે?
પંચાયત વિભાગે નોકરીમાંથી નિકાલ કર્યા બાદ હવે તપાસનો દોર વધુ સઘન બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં આ બંને અધિકારીઓ સામે ટૂંક સમયમાં ફોજદારી ફરિયાદ (FIR) નોંધાઈ શકે છે અને જેલની સજા થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
રાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ?
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વહીવટી તંત્રમાં 50થી 55 વર્ષની વય ધરાવતા ક્લાસ 1-2ના ઓફિસરોની સેવાઓ અને કામગીરીની સમીક્ષા કરી કરી છે. રાજ્ય સરકારના ઓપરેશન ગંગાજળનો ઉદ્દેશ્ય છે કે, રાજ્યના વહીવટી તંત્રમાં જોડાયેલા અધિકારીઓ જે ભ્રષ્ટ આચરણ, ગેરરિતીઓ કરે છે તેમને ફરજમાંથી મુક્ત કરવા. સરકારની આ ઝુંબેઠ હેઠળ ઓક્ટોબરમાં સૌથી પહેલા 2 આઈએએસ અધિકારીઓ બાદ, બે એડિશનલ કલેક્ટર અને બે ટીડીઓને નોકરીમાંથી બરતરફ કરાયા છે.
