Botad: ગઢડામાં મધમાખી કરડતા યુવકનું દર્દનાક મોત, બે પુત્રી સહિત 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રસ્તામાં તરસ લાગતા ખોપાળા ગામની સીમમાં પાણીની પરબ પર પહોંચ્યા, ત્યારે મધમાખી કરડી હતી. જે બાદ અચાનક નાસિરભાઈની તબિયત લથડવા લાગી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 02 Feb 2026 08:47 PM (IST)Updated: Mon, 02 Feb 2026 08:47 PM (IST)
botad-young-man-dies-tragically-after-bee-sting-in-gadhada-leaves-behind-three-children
HIGHLIGHTS
  • પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કર્યો

Botad: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મધમાખીના કરડવાથી યુવકનું તડપી-તડપીને મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઢડાના વાઢાચોક વિસ્તારમાં રહેતા નાસીર ઉર્ફે લાલો ચૌહાણ (30) હેર સલુન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે નાસીર ચૌહાણ પોતાના પિતા સાથે બાઈક પર ટીંબી ગામથી ઘર તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં તરસ લાગતા નાસિર ચૌહાણે ખોપાળા ગામની સીમમાં આવેલ એક પાણીની પરબ પર પાણી પીવા માટે પોતાનું બાઈક ઉભુ રાખ્યું હતુ. જેવા તેઓ પાણી પીવા ગયા, ત્યારે ત્યાં નાસિરભાઈને મધમાખી કરડી હતી. જેના કારણે તેમની તબિયત અચાનક લથડવા લાગી હતી. આથી તાત્કાલિક 108 મારફતે નાસિરભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.

આ અંગે મેડિકલ ઑફિસરે જણાવ્યું કે, મધમાખી કરડવાથી તેના ઝેરનું રિએક્શન થવાના કારણે નાસિરભાઈનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. જો કે તેમના પરિવારજનો દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કર્યો છે.

હાલ તો નાસિર ચૌહાણના અકાળે અવસાનથી ચૌહાણ પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. તેમના બે પુત્રી અને એક પુત્ર મળીને 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનાના પગલે વાંઢાચોક વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી છે.