Botad News: લોકસભા ચૂંટણી 2024ના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ કરેલી આવેલી ટિપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને રુપાલની ટિકિટ રદ કરવામાં આવે તેવી પ્રચંડ માગ કરાઈ રહી છે. ત્યારે બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે ભાષણ આપતા-આપતા પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે અને કહ્યું છેકે, મારે સમાજની સાથે ઉભા રહેવું પડે, મવડી મંડળ સુખદ સમાધાન કરશે.
બોટાદ જિલ્લામાં આવેલા પાળિયાદ ગામમાં મોદી પરિવાર સભાનું આયોજન ગઇકાલે કરવામાં આવ્યું હતું. આ સભામા બોટાદ જિલ્લાના મહામંત્રીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત હતા. સભા દરમિયાન બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચર ઉપસ્થિત મેદની અને કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યાં હતા અને એ વખતે તેમણે તેમના રાજીનામાની વાત કરી હતી.
ભાષણ કરતી વખતે વિજય ખાચરે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત પ્રદેશમાં જે બધો માહોલ ચાલી રહ્યો છે. જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે. અમારા ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રુપાલા દ્વારા અપમાન કરવામાં આવ્યું છે. તેનાથી અમે ક્ષત્રિય સમાજ નારાજ છીએ. છેલ્લા 20 વર્ષથી હું ભાજપનો કાર્યકર્તા છું. 17 વર્ષનો હતો ત્યારથી ભાજપનો કાર્યકર્તા છું. આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપું છું.
તેમણે વધુંમાં જણાવ્યું કે, જ્યાં સુધી આ પ્રશ્ન ચાલે છે. જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી….હું એવું ઇચ્છું છું કે, તેનું સુખદ સમાધાન આવે. હું ભાજપના મવડી મંડળને પ્રાર્થના કરું છું કે આના માટે કંઇક પ્રયત્નો કરે.
