બોટાદમાં પ્રવાસી વિદ્યાર્થીઓની તબિયત લથડી: 40 બાળકો સિવિલમાં દાખલ, રીક્ષા એસોસિએશને આગળ આવી મદદ કરી

બોટાદમાં સાબરકાંઠાના તલોદથી પ્રવાસે આવેલા 40 વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. તબીબોની સારવાર બાદ સવારે રજા અપાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 21 Aug 2026 01:01 PM (IST)Updated: Fri, 21 Aug 2026 01:01 PM (IST)
botad-picnic-ill-talod-sabarkantha-student-civil-hospital-rickshaw-association-help

બોટાદ જિલ્લામાં સાબરકાઠાના તલોદથી પ્રવાસે આવેલા 40 જેટલા વિદ્યાર્થીઓની તબિયત અચાનક ખરાબ થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શરદી અને તાવના લક્ષણો જણાતાં તમામ બાળકોને મોડી રાત્રે બોટાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 40 વિદ્યાર્થીની તાત્કાલિક સારવાર માટે તબીબો ખડેપગે રહ્યા હતા. સવારે તમામ બાળકોની સ્થિતિમાં સુધાર થતાં તેમને રજા આપવામાં આવી હતી.

35થી 40 બાળકોની તબિયત લથડી ગઈ

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના તાલોદથી બે બસોમાં 90 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તમામ બાળકોની તબિયત ખરાબ થવા લાગી હતી. રાતે આ બસ બોટાદ આવતાં તમામ બાળકોને બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાતાં તબીબોની ટીમે સારવાર શરુ કરી હતી.

યોગ્ય સારવાર મળતા બાળકોની સ્થિતિમાં સુધારો થયો

બાળકોને યોગ્ય સારવાર મળતા સવાર સુધીમાં તેમની તમામની સ્થિતિ સ્થિર થઈ હતી. પરંતુ આ સંકટની ઘડીમાં રિક્ષા એસોશિયેશને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડીને બાળકોને 35થી 40 ચાદરોની વ્યવસ્થા કરી આપી હતી. મોડી રાત્રે બાળકો પાસે રોકાઈને રિક્ષાચાલકોએ તમામ મદદ પૂરી પાડી હતી.

તબીબોની તાત્કાલિક સારવાર બાદ વહેલી સવારે તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સામાન્ય થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તાત્કાલિક સારવાર મળી જતાં તમામ વિદ્યાર્થીઓ ભયમુક્ત થતાં સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.