Botad: બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરી રહેલી બોટાદ પોલીસે રાણપુરના આલાવ ગામમાંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે વિગતો આપતા બોટાદના SPએ જણાવ્યું કે, રાણપુર ચોકી વિસ્તારમાં ઓખા-ભાવનગર ટ્રેન આગળ વધી રહી હતી. આ સમયે કોઈએ ટ્રેનના પાટા વચ્ચે 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકી દીધો હતો. જેથી ટ્રેનના એન્જિન સાથે ટૂકડો અથડાતા ટ્રેન ઉભી રહી ગઈ હતી. જેના કારણે મુસાફરોના જીવ બચી ગયા હતા.
આ કેસમાં પોલીસે રાણપુરના આલાવ ગામમાંથી રમેશ સાલીયા (55) અને જયેશ બાવળીયા (24)ની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ યુ-ટ્યુબમાં વીડિયો જોઈને ટ્રેન લૂંટવાનું કાવતરું ઘડ્યું હતુ.
પોલીસની પૂછપરછમાં બન્ને આરોપીઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હોવાનું કબૂલ્યું હતુ. આથી દેવું ચૂકવવા માટે ટ્રેન પલટે પછી ડબ્બામાંથી પટકાયેલા મુસાફરોને લૂંટવા માટે આખો પ્લાન બનાવ્યો હતો. હાલ તો પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
