Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ મથકના PSI ગીતા આહીર દ્વારા દારૂબંધીને લઈને આપવામાં આવેલા નિવેદનનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. જેના પગલે બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા PSI જી.ડી. આહીરની લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. આ સાથે જ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
દારું ક્યારેય બંધ ના થાય, તેને કંટ્રોલ કરી શકાય
આ પણ વાંચો
થોડા દિવસ પૂર્વે ઢસા તાલુકાના જલાલપુર ગામની પ્રાથમિક શાળામાં સાયબર જાગૃતિ એવરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનો દ્વારા દારૂના દૂષણ અંગે PSI જી.ડી. આહીર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ દરમિયાન PSIએ ગ્રામજનોને જવાબ આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ સરકાર આવે, પરંતુ દારું ક્યારેય બંધ ના થાય. માત્ર તેને કંટ્રોલ કરી શકાય. આ કથિત વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો.
આખરે બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ બાબતને ગંભીરતાથી લઈને મહિલા પીએસઆઈને તાત્કાલિક લીવ રિઝર્વમાં મૂક્યા છે. આ સાથે જ આગળની તપાસ DySp મહર્ષી રાવલને સોંપવામાં આવી છે.
આ વીડિયોમાં તેઓ દારૂ બંધ ના થાય, પરંતુ તેને કંટ્રોલ કરી શકાય તેવું નિવેદન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું હતુ. આખરે પોલીસ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હવે PSIની લીવ રિઝર્વમાં બદલી થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પારી છે.
