Botad: પરિણીત મહિલાએ પ્રેમી સાથે કાળુભાર ડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી, ત્રણ દિવસે પાણી ઉપર તરતી લાશ મળી આવી

બોટાદના કાળુભાર ડેમમાંથી પરિણીત મહિલા અને યુવકના મૃતદેહ મળી આવ્યા છે. પ્રેમ સંબંધને કારણે બંનેએ ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા છે, પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Nov 2026 03:54 PM (IST)Updated: Wed, 11 Nov 2026 03:54 PM (IST)
botad-news-married-woman-and-lover-jump-into-kalubhar-dam-bodies-recovered-after-three-days

Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાંથી પરિણીત મહિલા અને યુવકના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બન્ને જણાએ ગત 9 નવેમ્બરે ડેમમાં ઝંપલાવીને જિંદગી ટૂંકાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કાળુભાર ડેમમાં આજે મહિલા અને યુવકના મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યા હતા. જેમની ઓળખ કેરાળા ગામની શીતલ શેખ અને રોહિત સાથળિયા તરીકે થઈ છે. જે પૈકી શીતલ પરિણીત છે. જ્યારે રોહિતે ગત 9 નવેમ્બરે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના ભાઈને ફોન કરીને પોતે જીવન ટૂંકાવી રહ્યો હોવાની જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ તપાસ કરતાં ડેમના કિનારે ચંપલ મળી આવ્યા હતા.

જે બાદ પરિવારજનોએ જાણ કરતાં બોટાદ ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમ દ્વારા સતત બે દિવસથી ડેમમાં શોધખોળ હાથ ધરાઈ રહી હતી. આખરો આજે ત્રીજા દિવસે બન્નેના મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા તેનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પૈકી શીતલબેન પરિણીત હતા અને તેમને સંતાનમાં બે બાળકો પણ હતા. જ્યારે રોહિત સાથળિયા અપરિણીત હતો. બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોવાની વિગતો પણ સામે આવી છે. જો કે સમાજ પોતાના સબંધને નહીં સ્વીકારે તે ડરે બન્ને જણાએ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.