બોટાદમાં ઓનલાઈન સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ, 17 થી વધુ વેબસાઈટ ચલાવતો શખ્સ ઝડપાયો

બોટાદ પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા અન્ય 5 આરોપી વિરુદ્ધ પણ કાયદસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 10 Nov 2026 04:18 PM (IST)Updated: Tue, 10 Nov 2026 04:18 PM (IST)
botad-lcb-police-busted-online-gaming-betting-racket-17-websites-exposed

Botad Crime News: બોટાદ ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજીના મોટા રેકેટનો બોટાદ LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. બોટાદ LCB પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઢડા રોડ પર આવેલા કષ્ટભંજન કોર્નર પાસેથી પ્રકાશ પ્રવિણભાઈ સાંકળીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટના કાયદાકીય આદેશોનું ઉલ્લંઘન કરીને સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા લોકોને જુગારની લત લગાડવામાં આવી રહી હોવાની બાતમી મળતા બોટાદ LCB ટીમે રેડ પાડી હતી. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપી પ્રકાશ સાંકળીયા પાસેથી લેપટોપ, મોબાઈલ તેમજ વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની 7 પાસબુક અને 8 ચેકબુક મળી આવી હતી.

આરોપી દ્વારા નેમચિપ (Namecheap) અને હોસ્ટસ્ટિંગર (Hostinger) પેનલ તેમજ ગૂગલ સર્ચ કોન્સોલ મારફતે 17 થી વધુ સટ્ટા-ગેમિંગ વેબસાઈટ્સ અને ડોમેઈનનું સંચાલન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ ગેમિંગ એપ્લિકેશન્સમાં લોકોને ફ્રી બોનસ અને લાઈવ જેકપોટની લાલચ આપીને નાણાકીય વ્યવહાર કરાવવામાં આવતા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 30,000 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બોટાદ એલસીબી પોલીસે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કલમ 9(1), 9(2), 9(3) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા હર્ષદ બાવળીયા, નિકુલ જીડીયા, રાજ જાડા અને ઉદેશ મકવાણા સહિત અન્ય 5 આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.