Botad: ગત 6ઠ્ઠી તારીખે 2019ના જૂન મહિનામાં જાળીલા ગામના દલિત ઉપસરપંચની હત્યાના બનાવમાં સાક્ષી રહેલા રાજેશ મકવાણા પર 7 જેટલા વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત રાજેશ મકવાણાને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મોત થયું છે.
આ બનાવ બાબતે બોટાદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે આઇપીસી 302 અંતર્ગત ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. આ સાથે જ અત્યાર સુધીની તપાસમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ અને તેમની ટીમ દ્વારા હરેશ ખાચર (ઉવ.32), કિશોર ખાચર (ઉવ.33), રઘુ ખાચર (ઉવ.30) નામના ત્રણેય ભાઈઓની ગત આઠમી તારીખના રોજ ધરપકડ કરવામાં આવી છે. જે હાલ તમામને જેલ હવાલે કરવામાં આવેલ છે. જ્યારે કે ત્રણેય ભાઈઓના પિતા ધીરુ ખાચર સહિત ત્રણ અજાણ્યા વ્યક્તિઓ કે જે પોલીસ પકડથી દૂર છે, તેમની ધરપકડ કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
ગત 7 સપ્ટેમ્બરના રોજ મૃતક રાજેશ મકવાણાએ રાણપુર પોલીસ મથકમાં IPC 307, 325, 324, 143, 147, 148, 149, 506 (2) તેમજ એટ્રોસિટી અંતર્ગત ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં 6 સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાના દીકરાના કપડા લઈને બોટાદથી બગડ તરફ આવી રહ્યાં હતા. આ સમયે અક્ષર વાડી નજીક સ્વીફ્ટ તેમજ અલ્ટો કારમાં ધીરુ ખાચર, હરેશ ખાચર, કિશોર ખાચર અને રઘુ ખાચર સહિત 3 અજાણ્યા ઈસમોએ લોખંડની પાઈપ, લાકડી અને ફરસી જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.
આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ રાજેશ મકવાણાને સૌ પ્રથમ બોટાદ અને પછી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.
2019માં જાળીલા ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં રાજેશ મકવાણા સાક્ષી રહ્યાં હતા. જે બાબતનો ખાર રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતુ.
આ બનાવ સંદર્ભે તપાસનીસ અધિકારી મહર્ષી રાવલના જણાવ્યા મુજબ, જાળીલા અને બગડ વચ્ચે માત્ર 9 કિમીનું અંતર છે. આ બનાવ સામે આવતા જ ગામમાં હાલ પુરતુ પોલીસ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું છે. આ ઘટના સંદર્ભે ધીરુ ખાચર સહિત 3 અજાણ્યા ઈસમોની શોધખોળ ચારી રહી છે. જ્યારે મૃતકનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે.
હત્યાના પ્રયાસની ઘટના સંદર્ભે ત્રણેય ભાઈઓને ઝડપી પાડીને 3 દિવસમાં રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા એક જ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ગુનાના કામે વાપરવામાં આવેલ હથિયારો તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલ કાર કબ્જે કરવામાં આવી છે. 2019ની હત્યાના કામે જેલમાંથી બહાર આવેલા કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ હદપારની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે.
બીજી તરફ મૃતકના પરિવારજનો સહિત સમાજના આગેવાનોએ જણાવ્યું કે, જ્યાં સુધી બોટાદ SPની બદલી નહીં થાય તેમજ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતકની લાશ સ્વીકારવાના નથી. તેમજ મૃતક રાજેશ મકવાણા દ્વારા એસપી બોટાદ તેમજ પ્રાંત અધિકારી સમક્ષ લેખિતમાં તેમજ મૌખિકમાં પોતાની જાનને જોખમ હોવાની રજૂઆત કરી હતી. આમ છતાં માત્ર એક દિવસ પૂરતું જ તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા જુદી જુદી 13 જેટલી માંગણી તંત્ર પાસે કરવામાં આવી છે. જે અંતર્ગત મનજી સોલંકી અને રાજેશ મકવાણાની હત્યાની થીયરી એક જ હોય તેમજ આરોપીઓ એક જ હોય તેથી બંને પરિવારમાંથી એક-એક વ્યક્તિઓને શૈક્ષણિક લાયકાત મુજબ સરકારી નોકરી તેમજ પાંચ પાંચ એકર જમીન ફાળવવામાં આવે. તેમજ બંને પરિવારો આરોપીઓના ભયથી ગામ ન છોડે તેમજ તેઓ ત્યાં રહે ત્યાં સુધી સરકાર તરફથી રહેઠાણ તેમજ રાશન પૂરું પાડવામાં આવે.
