કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆત રંગ લાવી: બોટાદમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મંજૂર થતાં CM ભૂપેન્દ્ર પટેલનો માન્યો આભાર

બોટાદ જિલ્લામાં સ્વનિર્ભર મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલના નિર્માણને મંજૂરી મળી છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 11:38 AM (IST)Updated: Fri, 16 Oct 2026 11:38 AM (IST)
botad-gets-self-financed-medical-college-and-modern-government-hospital-approval

Botad News: બોટાદ જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદમાં સ્વનિર્ભર મેડિકલ કોલેજ તેમજ આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી જિલ્લાના આરોગ્ય માળખાને મજબૂતી મળશે ઉપરાંત સ્થાનિક નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ઐતિહાસિક મંજૂરી બદલ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર-બોટાદનાં સાંસદ નિમુબેન બાંભણિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

બોટાદના નાગરિકો માટે લેવાયો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકાસની નવી દિશાઓ ખૂલી રહી છે. બોટાદ જિલ્લામાં આધુનિક આરોગ્ય સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય જિલ્લાના નાગરિકો માટે આશાસ્પદ બની રહેશે. બોટાદ જિલ્લામાં ગંભીર બીમારીઓ અથવા આકસ્મિક પરિસ્થિતિઓમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવે દર્દીઓ અને તેમના પરિવારજનોને સારવાર માટે અન્ય મોટાં શહેરો સુધી લાંબું અંતર કાપવું પડતું હતું.

નિમુબેન બાંભણિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત

આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બોટાદમાં આધુનિક અને સુવિધાસભર સરકારી હોસ્પિટલની સ્થાપના થાય તે માટે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત, તેમણે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક નેતૃત્વ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે રૂબરૂ મુલાકાત કરીને હોસ્પિટલની કામગીરી સત્વરે હાથ ધરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતોના સકારાત્મક પરિણામ સ્વરૂપે મળેલી મંજૂરીથી બોટાદ જિલ્લાના નાગરિકોમાં આરોગ્ય સુવિધાઓ અંગે નવી આશા જાગી છે.

મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલનું થશે નિર્માણ

બોટાદમાં મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલના નિર્માણથી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નજીકના સ્થળે વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત અને સમયસર સારવાર મેળવવાની દિશામાં લાભ મળશે.સાથે જ, સ્થાનિક સ્તરે મેડિકલ કોલેજ શરૂ થવાથી વિસ્તારના યુવાનો માટે તબીબી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની નવી તકો ઊભી થશે. આ નિર્ણય બોટાદના આરોગ્ય માળખાના વિકાસની સાથે તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ વિસ્તારને નવી ઓળખ અપાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.