Gujarat Tea Traders Association:ગુજરાતના ચા વેપાર ક્ષેત્રમાં પાંચ દાયકાથી સેવા, સંસ્થાકીય ભાવના અને વેપારી એકતાનું કાર્ય કરતી 'ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન' (GTTA) પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂરાં થવાના પ્રસંગે ભવ્ય ગોલ્ડન જ્યુબિલી મહોત્સવનું આયોજન કરી રહી છે. આ પ્રસંગે 1 અને 2 ઓક્ટોબર,2026ના રોજ પ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામ ખાતે યોજાશે.
એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલ અને મંત્રી રતનલાલ શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી અંદાજે 700 જેટલા ચા વેપારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આસામ, કલકત્તા, દક્ષિણ ભારત, સિલિગુડી તેમજ 'ટી બોર્ડ ઓફ ઇન્ડિયા' સહિત ચા ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશભરના અગ્રણી વેપારીઓ, પ્રોડ્યુસરો, બ્રોકરો અને હોદ્દેદારો પણ આ પ્રસંગે ખાસ હાજરી આપશે.
ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના ચા ઉદ્યોગના નિષ્ણાતો અને વેપારીઓ એક મંચ પર ભેગા થઈને વર્તમાન પરિદૃશ્ય, બદલાતા બજારના પ્રવાહો, નવી તકો, ગ્રાહકોની બદલાતી પસંદગી અને ચા વેપારને વધુ મજબૂત બનાવવાની ભવિષ્યની દિશા અંગે ગહન વિચાર-મંથન કરશે.
સંસ્થાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનારા પૂર્વ પ્રમુખો તથા પૂર્વ માનદ મંત્રીઓનું વિશેષ આદર-સન્માન કરવામાં આવશે. આ સાથે જ ઐતિહાસિક પ્રસંગે વર્ષ 2026-2028ની નવી કારોબારી સમિતિની જાહેરાત કરાશે. તમામ સભ્ય વેપારીઓને ગોલ્ડન જ્યુબિલીની યાદગીરીરૂપે વિશેષ સંભારણું (મેમેન્ટો) પણ એનાયત કરવામાં આવશે.
