Gadhada News: હંમેશા નિષ્ઠાપૂર્વક સેવાકીય કાર્યો માટે સમર્પણ ભાવથી સક્રિય રહેતા પરેશ ઈન્દુભાઈ મકવાણા જગન્નાથ રથયાત્રા સમિતિ, વિવેકાનંદ કેન્દ્ર, લોક વિચાર મંચ, ગઢપુર સમાજ સેવા, ગઢપુર નેચર ક્લબ જેવી જુદી સામાજિક સેવાકીય પ્રવૃતિઓ માટે સક્રિય ભૂમિકા ભજવતા હતા. ગત રાત્રે પોતાના ઘરેજ કાર્ડિયાક એરેસ્ટના કારણે હૃદય બંધ પડી જતા અકાળે મૃત્યુ થયું હતું.
પિતાનું અકાળે મોત થયું
જેના કારણે પરિવારમાં પુત્રી અને ધોરણ 12 માં અભ્યાસ કરતા પુત્ર તથા માતા અને પત્ની ઉપર આભ તૂટી પડ્યું હતું. આ દરમિયાન ધોરણ 12 માં અભ્યાસ કરતા પુત્રને બોર્ડની પરીક્ષા શરૂ હોય એક માત્ર પેપર આપવાનું બાકી હતું. ત્યારે પુત્ર માટે કુદરતે જીવનની કઠીન પરીક્ષા લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. પિતાના થયેલા મૃત્યુ પછી બીજા દિવસે બપોરે 10-00 કલાકે અંતિમયાત્રામાં પિતાના મૃતદેહને મુખાગ્નિ આપ્યા બાદ તેમજ બપોરે 3.00 કલાકે બાકી રહેતું પેપર પણ આપવાનું હતું.
પુત્ર પેપર આપવા પહોંચ્યો
આ પરિસ્થિતિમાં લોકોએ માનસિક સધિયારો આપી પરીક્ષામાં પોતાના પિતાની ઈચ્છા મુજબ પાસ થવા અને હિંમત દાખવી પેપર આપવા માટે માર્ગદર્શન આપ્યું હતું. પરિણામે પુત્ર પોતાના પિતાની ખુશી અને ઈચ્છા પૂર્ણ કરવા માટે સ્વસ્થ મને પેપર આપી પરીક્ષા ઉત્તિર્ણ કરવા અને ઘર પરિવારના ભવિષ્યના એક માત્ર જવાબદાર પુરુષ સભ્ય તરીકે સફળતા મેળવવા માટે બાકી રહેતું પેપર આપવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યો હતો.
