બિપોરજોય વાવાઝોડાના પગલે કચ્છમાં NDRF અને SDRFની ટીમો તૈનાત, કચ્છ જિલ્લામાં માઈનિંગ ઓપરેશન પર પ્રતિબંધ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Jun 2023 06:19 PM (IST)Updated: Mon, 12 Jun 2023 06:19 PM (IST)
teams-of-ndrf-and-sdrf-deployed-in-kutch-in-wake-of-cyclone-biporjoy

બિપોરજોય વાવાઝોડાની શકયતા અને અસરને અનુલક્ષીને બે એનડીઆરએફ તથા બે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. વર્તમાન સ્થિતિને જોતા ગાંધીધામ ખાતે 19 કર્મચારીનું બળ ધરાવતી તથા માંડવીમાં 13 કર્મચારી બળ ધરાવતી એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. જયારે અબડાસામાં 19 કર્મચારીનું સ્ટ્રેન્થ તથા ભુજમાં 21 કર્મચારીના બળ સાથેની એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે.

આ સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ દરિયા નજીકના રહેણાંક પરથી સ્થળાંતરની કામગીરી કરી રહયું છે. માછીમારો અને સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાને લેતાં કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. એસડીઆરએફના સબ ઇન્સ્પેકટર ડી.કે.પટેલના જણાવ્યા મુજબ દરેક મોરચે કામગીરી કરવા ટીમ તૈનાત છે. બોટ લાઇફ જેકેટ, ઓવીએમ વગેરે જેવા સાધનો છે. કોમ્યુનિકેશન ઠપ્પ થઇ જાય તો સંચાર વ્યવસ્થા જાળવવા માટેની QDA સિસ્ટમ પણ છે. આ સાથે કોઇપણ વ્યકિત ફસાય તો રાહત અને બચાવકાર્ય માટે પૂરતા સંસાધનો છે.

માંડવી અને જખૌ સહિતના કાંઠાળ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત લોકોને જોખમી સ્થાન છોડી દેવા સમજૂતી આપીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કાંઠા વિસ્તારના ગામોના લોકોને જરૂરીયાત મુજબ તંત્ર દ્વારા ઉભા કરાયેલા શેલ્ટર સેન્ટર ખાતે લઇ જવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે પાણીના ટેન્કર, કપરી સ્થિતિમાં ખાણી-પીણીનો પૂરવઠો ન ખોરવાય તે પ્રકારની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા આંતરીક સંકલન સાધીને કરવામાં આવી રહી છે.

કચ્છ જિલ્લામાં માઈનિંગ ઓપરેશન પર પ્રતિબંધ
આ સમય દરમ્યાન કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે આગમચેતીના પગલા રૂપે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2003ની કલમ-24 અન્વયે તા.14 થી તા. 15 જૂન સુધી કચ્છ જિલ્લામાં આવેલ તમામ ક્વોરીલીઝ અને માઇનીંગ લીઝના લીઝ ઘારકો, પરમીટ ઘારકો અને સ્ટોક રજિસ્ટ્રેશન ઘરાવતા સ્ટોકઘારકોએ સમગ્ર માઇનીંગ ઓપરેશન (ઉત્ખનન પ્રક્રિયા), ખનીજ પરિવહન અને સંગ્રહ તથા તેને લગતી તમામ કામગીરી બંધ રાખવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આદેશ કર્યો છે.