કચ્છના રણમાંથી મોટી પુરાતત્વીય શોધ: 100થી વધુ માનવ કંકાલ અને પ્રાચીન વસાહતના અવશેષો મળ્યા, શું સિંધુખીણ સંસ્કૃતિ સાથે જોડાણ? જાણો

કચ્છના રણમાંથી 100થી વધુ માનવ કંકાલ, પ્રાચીન માટીના વાસણો, ટેરાકોટાના રમકડાં અને વસાહતના અવશેષો મળ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 08 Aug 2026 11:53 AM (IST)Updated: Sat, 08 Aug 2026 11:53 AM (IST)
kutch-rann-archaeological-site-discovery-100-human-skeletons-indus-valley-civilization

Kutch Rann Archaeological Discovery: કચ્છના રણમાંથી એક એવી પુરાતત્વીય શોધ સામે આવી છે. જે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કચ્છ યુનિવર્સિટીના સંશોધકોને રણ વિસ્તારમાં 100થી વધુ માનવ કંકાલો, પ્રાચીન માટીના વાસણો અને વસાહતના અવશેષો મળી આવ્યા છે. પ્રાથમિક અભ્યાસમાં આ સ્થળ મધ્યકાલીન યુગ અથવા સિંધુખીણ સંસ્કૃતિના ઉત્તર કાળ સાથે સંકળાયેલું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. 

કચ્છના રણમાંથી પુરાતત્વીય સાઈટ મળી

આજે જ્યાં કચ્છનું વિશાળ રણ જોવા મળે છે. ત્યાં ક્યારેક માનવ વસાહત ધમધમતી હતી. તેવા ચોંકાવનારા પુરાવાઓ હવે સામે આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના ઇન્ચાર્જ ડૉ. ગૌરવ ચૌહાણની ટીમે રણ વિસ્તારમાં એક મહત્વપૂર્ણ પુરાતત્વીય સાઇટ શોધી કાઢી છે. અહીં ખુલ્લી જમીન પર 100થી વધુ માનવ કંકાલો મળી આવ્યા છે.

કંકાલ અને પ્રાચીન બાંધકામના અવશેષો મળ્યા 

આ કંકાલો એક જ દિશામાં અને વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે તે સમયની ધાર્મિક અને સામાજિક પરંપરાનો સંકેત આપે છે. ઉપરાંત સ્થળ પરથી માટીના વાસણો, ટેરાકોટાના રમકડાં અને પ્રાચીન બાંધકામના અવશેષો પણ મળી આવ્યા છે. આ સાઇટની સૌપ્રથમ માહિતી BSFના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ હાથ ધરાયું હતું.

સિંધુ ઘાટી સભ્ચતાથી સીધો સંબંધ હોવાની શક્યતા

પ્રાથમિક તારણો મુજબ, આ સ્થળ અંદાજે 1000થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે અને તેનો સંબંધ ધોળાવીરા તેમજ સિંધુખીણ સંસ્કૃતિના ઉત્તર કાળ સાથે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ સાઇટના કાર્બન ડેટિંગ, DNA પરીક્ષણ, અન્ય વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, ISRO, PRL અને અન્ય સંસ્થાઓ સાથે સંયુક્ત સંશોધનની તૈયારી ચાલી રહી છે.

કચ્છના પ્રાચીન ઈતિહાસનો નવો અધ્યાય

જો આ અભ્યાસમાં પ્રાથમિક તારણોને સમર્થન મળશે, તો કચ્છના પ્રાચીન ઇતિહાસમાં એક નવું અધ્યાય ઉમેરાશે. કચ્છના રણમાં થયેલી આ શોધ માત્ર એક પુરાતત્વીય સાઇટ પુરતી મર્યાદિત નથી. પરંતુ તે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, માનવ વસાહત અને કચ્છના ગૌરવશાળી ઇતિહાસના નવા પુરાવા તરીકે ઉભરી રહી છે. હવે સૌની નજર આગામી વૈજ્ઞાનિક પરીક્ષણોના પરિણામો પર છે. જે આ રહસ્યમય સાઇટના ઇતિહાસ પરથી વધુ પડદો ઉઠાવશે.