કચ્છમાં ફરી ભૂકંપ: રાપરમાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, લોકોમાં ફાફડાટ

કચ્છના રાપરમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાપરથી 15 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 09 Aug 2026 03:23 PM (IST)Updated: Sun, 09 Aug 2026 03:23 PM (IST)
kutch-earthquake-rapar-intensity-3-3-quake-tremors-dang-saputara

Kutch Earthquake: કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રૂજવાની ઘટના સામે આવી છે. રાપર અને તેની આજુબાજુના વિસ્તારોમાં આજે બપોરે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અચાનક જ આવેલા આંચકાને લીધે સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ભય અને ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

રાપરથી 15 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, આ ભૂકંપનો આંચકો બપોરે 1.34 વાગ્યે અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3. 3 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં અંદાજે 15 કિલોમીટર દૂર અને જમીનથી 15 કિમીની ઊંડાઈએ સ્થિત હતું.

સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન નહીં

ક્ચ્છના વાગડ અને રાપર વિસ્તારમાં અવારનવાર નાના મોટા ભૂકંપના આંચકા આવતા રહે છે, જેના લીધે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ 3.3ની મધ્યમ તીવ્રતા ધરાવતા આંચકાથી કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. ઘટના બાદ વહીવટી તંત્ર અને નાગરિકએ રાહતનો શ્વાસ લીધો છે.

સાપુતારા અને વાસદમાં અનુભવાયા આંચકા

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રાત્રિના 10 વાગ્યાના સુમારે ડાંગના સાપુતારા અને નવસારીના વાસદમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપ શાસ્ત્ર કેન્દ્રના જણાવ્યા મુજબ, પૃથ્વીના પેટાળમાંથી 5.6 કિમીની ઊંડાઈથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.6ની નોંધાઈ હતી. જ્યારે આ ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો, ડાંગના સાપુતારાથી 14 કિમી દક્ષિણ-પશ્ચિમમાં આવેલી મહારાષ્ટ્રની સરહદ પાસે હોવાનું જાણવા મળ્યું હતું.