Kutch: છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર થયેલા ડીપ ડિપ્રેશનના કારણે મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વિવિધ ભાગોને ઘમરોળી રહ્યા હતા. જો કે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. બીજી તરફ કચ્છમાં 'અસના' વાવાઝોડાનો ખતરો ટળ્યો છે.
આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, 'અસના' વાવાઝોડાની તીવ્રતા ઘટી જરૂર છે. જો કે વાવાઝોડાની અસરના ભાગરૂપે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદને લઈને કોઈ વૉર્નિંગ નથી આપવામાં આવી.
આજે આખા દિવસ દરમિયાન કચ્છ જિલ્લામાં સરેરાશ માત્ર એક ઈંચ જ વરસાદ વરસ્યો છે. જેમાં સાંજે 8 વાગ્યા સુધીમાં કચ્છ જિલ્લાના મુન્દ્રામાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો, અંજારમાં 18 મિ.મી., માંડવીમાં 14 મિ.મી., નખત્રાણામાં 12 મિ.મી., અબડાસામાં 8 મિ.મી., ભૂજમાં 8 મિ.મી., લખપતમાં 5 મિ.મી. વરસાદ વરસ્યો છે.
કચ્છમાં વરસાદની સાથે-સાથે
ગઈકાલે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ રીતસરની બઘડાટી બોલાવી હતી. જેમાં માંડવી તાલુકામાં સૌથી વધુ 15 ઈંચ ધોધમાર વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી.
કચ્છ જિલ્લામાં 366 જેટલી સગર્ભા બહેનોમાંથી ૫૨ સગર્ભા બહેનોની પ્રસૂતિ તારીખ નજીક હોવાથી યોગ્ય કાળજી લઇ શકાય તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે.
કચ્છ જિલ્લાના માંડવી, અબડાસા, મુન્દ્રા અને ભુજ તાલુકામાં નીચાણવાળા તથા કાચા મકાન ધરાવતા 800 નાગરીકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. આ તમામ નાગરિકો માટે સામાજિક સંસ્થાઓની સહાયથી ફૂડ પેકેટ વિતરણ કરવા ઉપરાંત આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે.
