Kutch: કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભાડરા ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં 14 વર્ષીય સગીરના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા તેને સાથળના ભાગે ઈજા પહોંચી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાડરા ગામમાં રહેતા રાજવીર અરવિંદ પાયર (14)એ પોતાના ખિસ્સામાં મોટોરોલા કંપનીનો સ્માર્ટફોન રાખ્યો હતો. આ સ્માર્ટફોન ગરમ થઈને ધડાકા સાથે ફાટ્યો હતો. જો કે બાળકે તરત જ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બહાર ફેંકી દીધો હતો. આમ છતાં તેમાં શોર્ટ સર્કિટ થઈને વધુ બે ધડાકા થયા હતા. આ ઘટનામાં બાળકને સાથળના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે.
મુથુટ ફાઈનાન્સની ઑફિસમાં ધુમાડા નીકળતા મોબાઈલને લાત મારીને બહાર ફેંક્યો
આજથી દોઢેક વર્ષ પહેલા આવો જ એક બનાવ ઉનામાંથી સામે આવ્યો હતો. જેમાં ગીર ગઢડાના દ્રોણ ગામમાં રહેતો દલપત મકવાણા નામનો યુવક ઉનામાં આવેલી મુથુટ ફાઈનાન્સની ઑફિસમાં આવ્યો હતો. દલપત ઑફિસમાં બેઠો હતો, ત્યારે તેના ખિસ્સામાં રહેલો ફોન અચાનક ગરમ થવા લાગ્યો અને ધુમાડા નીકળવાની સાથે બ્લાસ્ટ થયો હતો.
આથી દલપતે તાત્કાલિક ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બહાર ફેંકી દીધો હતો. આ સમયે ઑફિસમાં ઉપસ્થિત એક યુવકે ફોનને લાત મારીને દરવાજાની બહાર ફેંકી દીધો હતો. આ ઘટનામાં પણ યુવક સાથળના ભાગે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મોબાઈલમાં બ્લાસ્ટ થવાના કારણો
મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાનું મુખ્ય કારણ તેની બેટરી હોય છે. મોબાઈલની બેટરી જ્યારે વધુ પડતી ગરમ થઇ જાય છે, ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે. આ સિવાય લાંબા સમય સુધી મોબાઈલ ફોન ચાર્જિંગમાં રાખવાથી પણ ફાટે છે. જો ચાર્જર સુરક્ષિત ના હોય તેના ઉપયોગ પણ બ્લાસ્ટનું કારણ બની શકે છે. મોબાઈલના મેન્યુફેક્ચરિંગમાં કોઈ ફોલ્ટ થયો હોય તો પણ ફોન ફાટી શકે છે.
આથી મોબાઈલને ક્યારેય 100 ટકા ચાર્જ ન કરો. 100 ટકા ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઈ શકે છે. મોબાઈલ ફોનને કોઈ ગરમ જગ્યાએ ચાર્જ ન કરો, જેનાથી ફોન વધુ ગરમ થાય છે.
સ્માર્ટફોનમાં આ સંકેત દેખાય તો સતર્ક થઈ જાવ
જો તમારા ફોનની સ્કીન બ્લર થઈ જાય કે સ્ક્રીન પર ડાર્કનેસ આવી જાય તો તે મોબાઈલમાં બ્લાસ્ટ થવાનો સંકેત હોઇ શકે છે. મોબાઈલ ધીમે કામ કરે કે વારંવાર હેંગ થાય તો તે પણ મોબાઈલમાં બ્લાસ્ટ થવાનો સંકેત હોઇ શકે છે. આ સિવાય વાત કરતી વખતે ફોન વધુ પડતો ગરમ થઇ જાય તો પણ તમારે સાવધાન થઈ જવું જોઈએ. તમારે સાવચેતી માટે ફેક ચાર્જર અને ફેક બેટરીનો ઉપયોગ ન કરવો.
