Kutch: કચ્છ જિલ્લાના ખાવડા-ભીરંડીયા માર્ગ પર આવેલ લુનિયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લક્ઝરી બસ સામેથી આવતી ઈકો કાર સાથે ભટકાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખાવડાથી ભુજ તરફ જતી ખાનગી લક્ઝરી બસ ખાવડા-ભીરંડીયા માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન લુનિયા ફાટક નજીક બસ પહોંચી, ત્યારે સામેથી ઓવર ટેક કરીને આવતી ઈકો કાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. ઈકો સાથે ટક્કર બાદ લક્ઝરી બસ ગુલાંટ ખાઈ ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં બસના દરવાજા આગળ ઉભો રહેલો ક્લીનર ચગદાઈ જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે ઈકો કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ઈકોના ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે.
આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ખાવડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપીમાં ઈકો કારે રિક્ષાને ઠોકર મારી, 9 ઘાયલ
અન્ય એક અકસ્માતનો બનાવ તાપી જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં નિઝરના વેલદા ટાંકી નજીક ઈકો કાર અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 4 તેમજ કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તમામ ઈજાગ્રસ્તોને 108ની મદદથી નિઝર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.