Kutch: કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધમડકા ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી 5 બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આજે તમામ બાળકોના એકસાથે 5 માસૂમોનો જનાજો ઉઠતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અંજાર તાલુકાના હિંગોરજાવાંઢમાં રહેતા માલધારી પરિવારના 5 બાળકો બપોરે જમીને સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં ન્હાવા પડેલી ભેંસોને બહાર કાઢવા ગયા હતા. આ દરમિયાન એક પછી એક બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી 4 બાળકોના મૃતદેહ પાણીમાં ઉપર તરતા જોવા મળતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તેમની લાશ બહાર કાઢી હતી. જે બાદ સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા તળાવમાં ડૂબી ગયેલા એક બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન મોડી રાતે ડૂબી ગયેલા પાંચમા બાળકની લાશ પણ મળી આવી હતી.
આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ ઈસ્માઈલ સાલાર (8), ઉંમર અબ્દુલ રહેમાન (11), અલ્ફાઝ હિંગોરજા (9), મુસ્તાક હિંગોરજા (14) અને તાહિદ હિંગોરજા (11) તરીકે થઈ છે. પવિત્ર રમઝાન મહિનામાં દરમિયાન બનેલી આ દુર્ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે આજે એક સાથે પાંચ માસૂમોના જનાજા નીકળતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.
