Kutch: કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધમડકા ગામના સીમાડે આવેલ હિંગોરજા વાંઢના તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત નિપજતા અરેરાટી મચી છે. હાલ તો ચાર બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એક બાળકની પાણીમાં શોધખોળ ચાલી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંગોરજા વાંઢના માલધારી પરિવારના 5 થી 13 વર્ષના બાળકો આજે બપોરે જમ્યા પછી તળાવમાં ન્હાવા પડેલી ભેંસોને કાઢવા ગયા હતા. આ દરમિયાન એક પછી એક એમ પાંચેય બાળકો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજેના સમયે ચાર બાળકોના મૃતદેહ પાણીમાં ઉપર તરીને આવતા ગ્રામજનોને આ બનાવની જાણ થઈ હતી.
જે બાદ અંજાર પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ દૂધઈ પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની મદદથી તળાવમાંથી 4 મૃતદેહો બહાર કાઢીને પંચનામું કર્યાં બાદ તમામને પોસ્ટમોર્ટમ અર્થે અંજારની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકોની ઓળખ ઈસ્માઈલ સાલાર (8), ઉંમર અબ્દુલ રહેમાન (11), અલ્ફાઝ હિંગોરજા (9), અને મુસ્તાક હિંગોરજા (14) તરીકે થઈ છે. જ્યારે તાહિદ હિંગોરજા (11) હજુ પણ લાપતા હોવાથી તેની તળાવમાં શોધખોળ ચાલી રહી છે. પવિત્ર રમઝાન મહિનામાં દરમિયાન બનેલી આ દુર્ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
