કચ્છમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર! નખત્રાણાના ઢોરા પાસે બે શિક્ષિકાનાં કરુણ મોત

કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરા ગામ નજીક બેફામ ડમ્પરની અડફેટે બે શિક્ષિકાના કરુણ મોત થયા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ છે અને બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 28 Nov 2026 11:15 AM (IST)Updated: Sat, 28 Nov 2026 11:15 AM (IST)
kutch-nakhatrana-dhora-road-dumper-accident-two-female-teachers-death-villagers-anger

Kutch Accident: કચ્છ જિલ્લામાં બેફામ દોડતાં ડમ્પર ચાલકોનો કહેર યથાવત હોય તેમ જણાઈ રહ્યું છે. ઓવરલોડ માલ લઈને જતાં વાહનચાલકો ઘણીવાર બેદરકારી દાખવીને મોટા અકસ્માતો સર્જે છે. આવી જ એક ગંભીર ઘટનામાં બે નિર્દોષ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેને લીધે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

ડમ્પરે અડફેટે લેતાં બે શિક્ષિકાના મોત

પ્રાપ્ત વિગત અનુસાર, નખત્રાાણા તાલુકાના ઢોરા ગામ નજીક હાજીપીર તરફ જતા માર્ગ પર ડમ્પરની અડફેટે આવતાં બે મહિલા શિક્ષિકાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નોંધનીય છે કે, આ જ વિસ્તારમાં અગાઉ પણ ડમ્પર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અગાઉની ઘટનાના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં વધુ બે લોકોએ જીવ ગુમાવતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી

કચ્છના માર્ગો પર બેફામ દોડતા ડમ્પરચાલકો સામે પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. રેતી અને ખનિજની હેરાફેરી કરતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોનો સવાલ છે કે, વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાયા બાદ પણ તંત્ર કેમ ગંભીર બનતું નથી? વધુ કેટલા નિર્દોષ લોકોના જીવ જશે ત્યારે તંત્રની આંખ ઊઘડશે?