Kutch: સરહદ ડેરી દ્વારા માંડવી તાલુકાની ગોધરા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા સભાસદ વિરજીભાઈ કરશનભાઈ વરસાણીની ગાયમાં 19-01-2024ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને આજ રોજ ઐતિહાસિક સફળતા મળતાં બે તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને એક વાછરડી 18 કિલો અને બીજી વાછરડી 20 કિલો વજન ધરાવે છે. સભાસદને ગોધરા મંડળીના પ્રમુખ શિવુભા કુંભાજી સોઢા તથા મંત્રી હેમાંગ રોહિત ડાયાલાલ વેદાંત દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતા.
સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી દ્વારા કચ્છમાં સૌ પ્રથમવાર NDDBના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીનાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ જેમાં આજે બે તંદુરસ્ત વાછરડી જન્મી છે.
સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 81 ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ET કરવાંમાં આવ્યા છે. જેમાથી 10 વાછરડીનો જન્મ થયો છે. આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે સમગ્ર ગુજરાતમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET)નું અમલીકરણ કરેલ છે ત્યારથી કરીને આજ દિન સુધીમાં એક જ ગાયથી બે વાછરડી જન્મી હોય તેવો આ પ્રથમ દાખલો છે. આ ઘટના ગુજરાત રાજયમાં પ્રથમ તથા સમગ્ર દેશમાં ત્રીજી ઘટના છે.
સરહદ ડેરીના પ્રયાસોથી પશુપાલકને જાણે દિવાળી રૂપી બોનસ મળી હોય તેવી ખુશીઓ છવાઈ ગઈ છે. આજે એક ગાયમાંથી 2 વાછરડીનો જન્મ થયો છે જે એક ઐતિહાસિક ઘટના છે તથા સમસ્ત કચ્છ સહિત ગુજરાત માટે ગર્વની પણ વાત છે. ET ટેક્નોલૉજીના ઉપયોગથી પ્રેરણાદાયી પરિણામો મળી રહ્યા છે. સાથે તે પશુપાલકને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ વિયાણ થયેલ ગાય એક દિવસનું 7થી 8 લિટર જેટલું દૂધ આપે છે. જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલૉજીથી જન્મેલ વાછરડીઓ આશરે અઢી વર્ષ પછી વિયાશે ત્યારે 25થી 30 લિટર જેટલું દૂધ એક દિવસમાં આપતી થશે એટ્લે અત્યાર કરતાં દૂધના પ્રોડકશન ખર્ચમાં 70%ની બચત થશે. ગીર, કાંકરેજ અને જર્શી ગાયમાં ET થઈ શકે છે તથા આજે વિયાણ થયેલ ગાય ક્રોસ કાંકરેજ છે. બીજા પશુપાલકો પણ આવી ટેક્નોલૉજીનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવું આહ્વાન પણ કર્યું છે.
